Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ઘાટલોડિયા, થલતેજ સહિતના વિવિધ વોર્ડમાં વિકાસના કામો

કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં લઇ તૈયારીઓ : ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા બ્લોકના કામોનું ખાતમૂર્હુત : લાખોના ખર્ચે વિકાસકાર્યો હાથ ધરાશે

અમદાવાદ, તા.૨૨ :  આગામી વર્ષે ૨૦૨૦માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો અને વોર્ડમાં વિકાસ કાર્યો અને સરકારી ખર્ચે વિવિધ કામોના લાભો આપવાની કામગીરી વધુ અસરકારક અને તેજ બનાવી દેવામાં આવી છે. જેમાં શહેરના ઘાટલોડિયા વિસ્તાર હેઠળ આવતાં થલતેજ ટેકરા પાસે જય અંબેનગર સોસાયટી ખાતે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રૂ.૨૫ લાખથી વધુના ખર્ચે બ્લોકના કામો સહિતના પ્રોજેકટનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટરો ભરતભાઇ પટેલ, ભાવનાબહેન પંડયા, ભાજપના થલતેજ વોર્ડ મહામંત્રી શંભુભાઇ દેસાઇ, રોનક પટેલ સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવતા વર્ષે અમ્યુકોની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો અને વોર્ડોમાં નાગરિકોની જે કોઇ ફરિયાદો કે નારાજગી હોય તે દૂર કરવાના પ્રયાસોના ભાગરૂપે અસરકારક કામગીરી શરૂ કરી દેવાઇ છે. ભાજપ દ્વારા શહેરના ઘાટલોડિયા, થલતેજ, ગોતા, બોડકદેવ સહિતના વિવિધ વોર્ડોમાં આ કામગીરી શરૂ કરી દેવાઇ છે.

                 જેમાં શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં થલતેજ ટેકરા પાસે આવેલી વર્ષો જૂની એવી જય અંબે નગર સોસાયટી ખાતે બ્લોકના કામોનું ખાતમૂર્હુત કરવા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલ પહોંચ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક ચેરમેન મોતીભાઇ દેસાઇએ ધારાસભ્યશ્રીનો આભાર વ્યકત કર્યો હતો. વર્ષોથી અહીં સરકારી ખર્ચે કામોની યોજનાની અસરકારક અમલવારી થતી ન હતી પરંતુ ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ભારે રસ દાખવી રૂ.૨૫ લાખથી વધુના ખર્ચે બ્લોકના કામો સહિતની કામગીરીની અમલવારી બતાવાઇ તે જાણી સ્થાનિક રહીશોમાં પણ ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. શહેરના અન્ય વિસ્તારો અને વોર્ડોમાં પણ ભાજપ હવે આ જ પ્રકારે કામગીરી હાથ ધરવાનું પ્લાનીંગ કરી રહ્યું છે. આ માટે સ્થાનિક કક્ષાએ કાર્યકરો અને આગેવોનોને સૂચના પણ આપી દેવાઇ છે અને નાગરિકોની ફરિયાદ અને કોઇ નારાજગી હોય તો તે સાંભળવા અને તેનું શકય એટલી ઝડપથી નિરાકરણ લાવવાની દિશામાં પણ તજવીજ હાથ ધરવાની તાકીદ કરાઇ છે.

(9:29 pm IST)