Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

રાજ્યમાં વધતો સ્વાઈન ફ્લૂનો કહેર : વધુ ચાર લોકોના મોત:120થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

અમદાવાદ, સુરત અને ભાવનગરમાં સ્વાઈન ફ્લૂથી મોત :સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં જોરદાર વધારો

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર વર્તાવી રહયો છે શનિવારે રાજ્યમાં સ્વાઈન ફ્લૂનાં 4 દર્દીનાં મોત થયા હતા, જ્યારે 120થી વધુ દર્દીઓ રાજ્યમાં સ્વાઈન ફ્લૂ પોઝિટિવ છે અને સારવાર હેઠળ છે. શનિવારે અમદાવાદ અને ભાવનગરમાં 1-1, જ્યારે સુરતમાં 2 સ્વાઈન ફ્લૂનાં દર્દીનાં મોત થયા હતા. 

અમદાવાદમાં સ્વાઇન ફલૂથી વાડીલાલ હોસ્પિટલમાં બહુરામપુરા વિસ્તારના 30 વર્ષીય પુરુષનું મોત થયું હતું. ચાલુ મહિનામાં અમદાવાદમાં સ્વાઇન ફલૂથી 11નાં મોત થયા છે અને 73થી વધુ કેસ નોંધાયા છે.

 અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં છેલ્લા 9 માસનાં આંકડા મુજબ જાન્યુઆરીમાં સ્વાઈનફ્લૂના 5 કેસ નોંધાયા,ફેબ્રૂઆરીમાં 6 કેસ અને 1 વ્યક્તિનું મોત થયુ હતું, માર્ચ મહિનામાં 8 કેસ નોંધાયા હતા અને 3 દર્દીના મોત થયા હતા. એપ્રિલમાં 6 કેસ અને 2 મોત, મે મહિનામાં 1, ઓગસ્ટમાં 12 નવા કેસ અને 3 મોત થયા હતા. સપ્ટેમ્બર મહિનામાં આ આંકડો વધતાં અત્યાર સુધીમાં 15થી વધુ લોકો સ્વાઈનફ્લૂનો શિકાર બનીને મોતને ભેટ્યા છે. 

  સુરતમાં સ્વાઇન ફલૂના 21 પોઝિટીવ કેસ નોંધાયા છે, જેમાં અત્યાર સુધીમાં 2 વ્યક્તિનાં સ્વાઇન ફલૂથી મોત થયાં છે. શનિવારે યોગીચોકની 33 વર્ષીય મહિલાનું હોસ્પિટલમાં મોત થયું છે. સુરત આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે અને ટીમ દ્વારા ટેમી ફલૂ નામની દવાનું વિતરણ કરાઈ રહ્યું છે. સુરતના માંગરોળમાં પણ શનિવારે સ્વાઇન ફ્લૂથી એકનું મોત થયું છે.

(11:28 pm IST)