Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

એચએલ કોલેજમાં રેગિંગ મુદ્દે વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

બનાવને પગલે શિક્ષણ જગતમાં ભારે ચકચારઃ ટીવાયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ડાન્સ કરવા માટે ફરજ પાડતા વિદ્યાર્થી પરેશાન : મામલામાં બેની ધરપકડ

અમદાવાદ, તા.૨૨: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એચ.એલ. કોમર્સ કોલેજમાં એફવાય બીકોમમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે રેગિંગનો બનાવ સામે આવ્યો છે. રેગિંગના ત્રાસથી કંટાળી ગઇકાલે વિદ્યાર્થીએ કોલેજના બાથરૂમમાં ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રેગીંગની આ ઘટનાને પગલે સમગ્ર શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી ગઇ છે. ટીવાય બીકોમમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ અને તેના સાથીઓએ મળી વિદ્યાર્થીને તેમની સામે જાહેરમાં ડાન્સ કરવા અને પેન્ટ ઉતારવા માટે ફરજ પાડી હતી. છેલ્લા ત્રણ મહિનાથી હેરાન કરતાં વિદ્યાર્થીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસમાં ફરિયાદ કરતાં ચારેય વિદ્યાર્થીઓએ તેને બોલાવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિદ્યાર્થીને હાલમાં સારવાર માટે વી.એસ. હોસ્પિટલ ખસેડાયો છે અને ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ મારમારી, એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી બી ડિવિઝન એસીપીએ તપાસ શરૂ કરી હતી અને આ સમગ્ર પ્રકરણમાં હાલના તબક્કે બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી એચ.એલ. કોમર્સ કોલેજમાં રેગિંગથી કંટાળીને એક વિદ્યાર્થીએ ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. મૂળ અમરેલીના રાજુલા તાલુકાના ભાઠા ગામનો રહેવાસી ગોપાલ મહિડાએ જુલાઇ મહિનામાં એચ.એલ. કોમર્સ કોલેજમાં એફવાય બીકોમના પ્રથમ સેમેસ્ટરમાં એડમિશન લીધું હતું. યુનિવર્સિટી પાસે આવેલ એચ.એલ. કોમર્સ કોલેજની હોસ્ટેલમાં રહે છે. કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ક્ષિતિજ રબારી, જયેશ ભરવાડ (રહે. ઘાટલોડિયા ગામ) અને જયેશ રબારી (રહે. ગોપાલવાસ, ચામુંડાડેરી પાસે, નવરંગપુરા) છેલ્લા ત્રણ મહિનાથી ગોપાલને હેરાન-પરેશાન કરતા હતા. ગોપાલ જ્યારે પણ કેમ્પસમાંથી નીકળે ત્યારે તેના બાઇકની ચાવી લઇ ટપલીદાવ પણ કરતા હતા. દલિત સમાજનો હોવાથી તેને જાતિવિષયક શબ્દો બોલીને હેરાન કરતા હતા. રિસેસના સમયમાં તેને ડાન્સ કરવાનું અને જાહેરમાં પેન્ટ ઉતારવા કહેતા હતા. ગોપાલ આ હરકતો કરવાની ના પાડતો ત્યારે અપશબ્દો બોલી એટ્રોસિટી અમારી પાસે નહીં ચાલે તેમ કહી ગાળાગાળી કરતા હતા. ગુરુવારે કોલેજ પૂરી કર્યા બાદ સાંજે બાઇક લઇ ગોપાલ હોસ્ટેલ તરફ જતો હતો ત્યારે કોલેજના ગેટ પાસે જયેશ રબારી, ક્ષિતિજ અને અજમલે તેને રોકી અમારી ફરિયાદ પ્રિન્સિપાલને કરવા જવાનો છે તેમ કહી ગાળાગાળી કરી લાફો મારી દીધો હતો. આ મામલે ગોપાલ ફરિયાદ કરવા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગયો હતો. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હાજર મહિલા પીએસઆઇ સી.બી. રાઠોડને રજૂઆત કરતાં પીએસઆઇએ ક્ષિતિજને બોલાવી ધમકાવ્યો હતો અને ફરી આવી હરકત ન કરવા જણાવ્યું હતું. ફરિયાદ કરવાનું પોલીસે કહેતા ગોપાલે અરજી આપી પછી ફરિયાદ કરશે તેમ જણાવ્યું હતું. પોલીસ સ્ટેશનથી હોસ્ટેલ પર પરત ફરતો હતો ત્યારે રાત્રે આઠેક વાગ્યાની આસપાસ ક્ષિતિજ અને જયેશે ચાની કીટલી પર બોલાવી રબારીના છોકરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા ગયો હતો તેમ કહી જયેશ રબારીએ ગોપાલને બે લાફા માર્યા હતા અને છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. છેલ્લા ત્રણ મહિનાથી રેગિંગ કરી ગોપાલને હેરાન-પરેશાન કરવામાં આવતાં તે ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો. રબારીના છોકરાઓ દ્વારા હેરાન કરવામાં આવતાં તેણે આત્મહત્યા કરી લેવાનો વિચાર આવ્યો હતો. જેથી ગઇકાલે કોલેજમાં રજા હોવા છતાં તે કોલેજ ગયો હતો. કોલેજનો ગેટ ખુલ્લો હોવાથી અંદર પ્રવેશી બાથરૂમમાં જઇ અડધી બોટલ ફીનાઇલની પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. શરીરમાં બળતરા અને વોમિટીંગ થતાં તેણે જાતે પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ જાણ કરતાં તેઓ તાત્કાલિક કોલેજ પહોંચી ગયા હતા. ગોપાલને સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવના પગલે નવરંગપુરા પોલીસે તાત્કાલિક ધોરણે ક્ષિતિજ રબારી, જયેશ રબારી, અજમલ રબારી અને જયેશ ભરવાડ સામે મારામારી, જાનથી મારી નાખવાની ધમકી અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેસની તપાસ બી ડિવિઝન એસીપી આશુતોષ પરમારને સોંપાઇ છે.

 

(10:06 pm IST)