Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સરદાર પટેલની પ્રતિમાનું ૩૧મીએ ઉદ્ઘાટન કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરાઈઃ ૨૦ ઓક્ટોબરથી ૨૯મી દરમિયાન ગુજરાતમાં સરદાર પટેલના સ્ટેચ્યુની પ્રતિકૃતિ સાથે રથ જશે : વિજય રૂપાણી

અમદાવાદ,તા.૨૨: પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આજરોજ ભાજપાની પ્રદેશ કારોબારી મળી હતી. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલ આજની આ કારોબારીમાં રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશના આગેવાનઓ, પ્રદેશ કારોબારી સભ્યઓ તેમજ સંગઠનના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની વિશદ્ માહિતીથી  કારોબારીને માહિતગાર કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટેચ્યુ ઓફ યુનિટિની કલ્પના સરદાર સાહેબની એક ભારત શ્રેષ્ઠ ભારત, અતૂટ ભારત, સંગઠીત ભારતની દિર્ઘદ્રષ્ટિને એક સ્ટેચ્યુ ઓફ યુનિટિને વિશ્વની સૌથી ઉચી પ્રતિમાનું લોકાર્પણ ગુજરાતના ગૌરવ પનોતા પુત્ર લોકનાયક જનહદયસમ્રાટ પ્રધાનસેવક એવા નરેન્દ્ર મોદીના વરદ્હસ્તે ૩૧ ઓક્ટોબરના રોજ વિશ્વ સમક્ષ થનાર છે. રૂપાણીએ કહ્યું હતું કે, નવેમ્બર ૨૦૧૩માં રાજ્યના મંત્રીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે દેશના વિવિધ રાજ્યોમાંથી ખેડુતોના ઓજારસમા  લોખંડ એકત્રિત કરવામાં આવ્યુ હતુ. જેમાંથી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, ૨૦ ઓક્ટોબર થી ૨૯ ઓક્ટોબર દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૧૦,૦૦૦ થી વધુ ગામડાઓમાં સરદાર પટેલના સ્ટેચ્યુની પ્રતિકૃતિ સ્વરૂપે  રથમાં જશે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર પટેલની ફિલ્મ બતાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ૩૧ ઓક્ટોબરના દિવસે સમગ્ર દેશના દેશવાસીઓ સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલી આપશે અને પ્રતિમાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ્હસ્તે કરવામાં આવશે.

(10:00 pm IST)