Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

આણંદ તાલુકાના ચિખોદરા નજીક પ્રેમ લગ્નની અદાવતમાં યુવકને ઢોર માર મારતા સારવાર અર્થે ખસેડાયો

આણંદ: તાલુકાના ચીખોદરા-બેડવા બ્રીજ પાસે ગઈકાલે રાત્રીના સુમારે ઘરના માણસોની સંમતિ વગર પ્રેમલગ્ન કરવાની અદાવત રાખીને યુવતીના મામા અને બે ભાઈઓએ લાકડી તથા પાઈપથી હુમલો કરીને યુવકને માર મારતાં તેને ગંભીર હાલતમાં કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

 


મળતી વિગતો અનુસાર હાડગુડ નજીક આવેલા જહાંગીરપુરા ખાતે રહેતી મસરતબાનુના (ઉ. વ. ૨૭)પ્રથમ લગ્ન જંબુસર ગામે થયા હતા. પરંતુ પતિ સાથે મનમેળ ના થતાં તેણીએ છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ ઘરના માણસોની સમંતિ વગર ગત ડિસેમ્બર માસમાં સારસા ખાતે રહેતા મુસ્તાકઅલી અબ્બાસઅલી સૈયદ સાથે રજિસ્ટર લગ્ન કરી લીધા હતા. ગઈકાલે પતિ-પત્ની સારસા ખાતેના નિવાસ્થાને ગયા હતા ત્યારે મસરતબાનુની માતા ત્યાં આવી ચઢ્યા હતા અને ગમે તેમ બોલતા જ પતિ-પત્ની ઈટર્નો પર સવાર થઈને જહાંગીરપુરા જવા નીકળ્યા હતા. રાત્રીના સાડા બારેક વાગ્યાના સુમારે બેડવા ઓવરબ્રીજ ઉતરીને ચીખોદરા તરફ જતા હતા ત્યારે પાછળથી એક લાલ કલરની કાર આવી ચઢી હતી અને ઈટર્નોને આંતર્યું હતુ. જેથી તેઓએ ઊભુ રાખતાં કારમાંથી મસરતબાનુના મામા દાનિશભાઈ, મોટાભાઈ આશીફઅલી તથા નાનો ભાઈ મહંમદરફીક લાકડી તથા લોખંડની પાઈપ લઈને ઉતર્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને તમે પ્રેમલગ્ન કેમ કર્યા તેમ જણાવીને મુસ્તાકઅલી પર તૂટી પડતાં તેને માથા, કપાળ અને બરડાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. 

(5:16 pm IST)