Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

અલ્પેશ ઠાકોર કોંગ્રેસ અને મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપ છોડશે ?

ગુજરાતના રાજકારણમાં બે નિર્ણયો તૂર્તમાં આકાર લઈ શકે છેઃ મહેન્દ્રસિંહ બાપુની શૈક્ષણિક સંસ્થાઓ સંભાળી શકે છેઃ કોઈ પક્ષમાં નહીં જોડાયઃ અલ્પેશ ઠાકોરની કેન્દ્ર તરફ નજર ? લોકસભા ચૂંટણી લડી શકે છેઃ બિમલ શાહ તથા એક કોળી આગેવાનનો પણ કોંગ્રેસ તરફ ઝુકાવ

રાજકોટ તા.૨૨: આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ચર્ચા જગાવે તેવા ચારેક નિર્ણયો લેવાય તેવી ગુફતેગુ ચાલી રહયાનું રાજકીય તજજ્ઞોમાં ચર્ચા છે. લડાયક નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપ તરફ ઝુકી રહયા છે તો તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ શંકરસિંહજી વાઘેલા ભાજપને રામ રામ કરી કોઇપણ પક્ષમાં નહી જોડાય તેવી જાહેરાત કરી શકે છે. બિમલ શાહ અને લાલજીભાઇ પણ કોંગ્રેસના સંપર્કમાં હોવાનું અને નિર્ણય કરી શકે છે તેવુ રાજકીય પંડીતોમાં ચર્ચાય છે.

આગામી લોકસભા ચૂંટણીના કારણે ગુજરાતમાં રાજકીય ભૂકંપો સર્જાઇ શકે છે. આ માટેની પુર્વતેયારીઓ, ગોઠવણો તથા મીટીંગોના દોર શરૂ થઇ ગયાનું અને બધુ જ ''સાંગોપાંગ'' ગોઠવાયા બાદ તૂર્તમાં જાહેરાતોનો સિલસિલો શરૂ થનાર હોવાનું મનાય છે.

અલ્પેશ ઠાકોર છેલ્લા થોડા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહયાનું મનાય છે. ત્યારે તેમના થોડા સમય દરમ્યાનના નિવેદનો અને વાર્તાલાપમાં પણ રાજકીય વિશ્લેષકોને ચોક્કસ સુર સંભળાઇ રહયા છે ત્યારે એક એવી ચર્ચાએ પણ જોર પકડયું છે કે અલ્પેશ ઠાકોરને ગુજરાતના રાજકારણનું મેદાન થોડુ નાનુ નજરે પડી રહયું હોય કેન્દ્રીય નેતાગીરી તરફ નજર માંડયાનું મનાય છે.

ચર્ચાતી વિગતો મુજબ અલ્પેશ ઠાકોર આગામી લોકસભા બેઠક લડી શકે છે પરંતુ એ પહેલા ગુજરાતના રાજકારણમાં જેમ કુંવરજીભાઇ બાવળિયાના પ્રકરણમાં બન્યું તેવું જ કાંઇક કેન્દ્રમાં બને તેવી કાંઇક ચર્ચાઓ ચાલી રહયાનું મનાય છે.

બીજી એક રાજકીય ચર્ચા મુજબ તાજેતરમાં જ શંકરસિંહજી વાઘેલાના પુત્ર અને પુર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા પરંતુ હવે જયારે શંકરસિંહજી વાઘેલાએ મહાગઠબંધન અને ત્રીજા મોરચામાં એકબીજા પક્ષો કે આગેવાનો વચ્ચેની જોડતી કડી બની મધ્યસ્થીની ભૂમિકા પ્રદાન કરી ભાજપની વિરૂદ્ધનું વાતાવરણ સ્થાપિત કરવાના ચક્રો ગતિમાન કરતા મહેન્દ્રસિંંહ વાઘેલા ભાજપ છોડીને હાલ કોઇપણમાં નહી જોડાય પરંતુ બાપુની શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ ધ્યાન આપી શકે છે.

અન્ય મહત્વના રાજકીય નિર્ણયો જોઇએ તો છેલ્લા થોડા સમયથી ખેડા લોકસભા બેઠકના રાજકીય સમિકરણોમાં ધરખમ ફેરફારો આવે તેમ મનાય છે. ગત વિધાનસભા વખતે ભાજપથી નારાજ થઇને કપડવંજની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવીને ૪૫૦૦૦ જેવા જંગી મતો લઇ જનાર પુર્વ ચેરમેન બિમલભાઇ શાહનો ઝુકાવ કોંગ્રેસ તરફ ઢળ્યો છે. બિમલ શાહ કોંગ્રેસ આગેવાનોના સંપર્કમાં હોવાનુ મનાય છે. સંભવત ખેડા બેઠક યોગ્ય મસલતો થાય તો તેઓ લડી શકે છે.

ભાજપના પુર્વ ધારાસભ્ય પરંતુ સીટીંગ એમ.એલ.એ. હોવા છતા ગત વિધાનસભા ચૂંટણી નહી લડનાર લાલજીભાઇ .. પણ કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકે છે. કોંગ્રેસી આગેવાનો તેમને કોંગ્રેસ તરફ ખેંચવા સક્રિય છે. જો બધુ સમુસુતરૂ ગોઠવાય તે તેઓ સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી પણ લડી શકે છે તેવી ચર્ચા છે. જો કે લાલજીભાઇનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો તો પરંતુ સંપર્ક થઇ શકયો નથી.

ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકીય ખેલ પાડવા ખભા ઉચકયા છે. ત્યારે છાનાખુણે એકાદ ડઝન નવા રાજકીય સમિકરણો માટેના પ્રયત્નો આદરાયા છે.(૧.૧૮)

(3:32 pm IST)