Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

હાર્દિક, જીજ્ઞેશ અને અલ્પેશને લોકસભાના જંગમાં ઉતારવાની તૈયારી

ગુજરાતમાં ભાજપ વિરોધી તેજીલી ત્રિપુટી કોંગ્રેસનો હાથ પકડીને તરખાટ મચાવશેઃ હાર્દિક માટે અમરેલી બેઠક પર નજર, વિકલ્પે મહેસાણાઃ જીજ્ઞેશ કચ્છની અનામત બેઠકમાં અલ્પેશ માટે બનાસકાંઠાની વિચારણા

રાજકોટ તા.૨૨: લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ત્રણ બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અથવા કોંગ્રેસ સમર્પિત ઉમેદવાર તરીકે ભાજપ વિરોધી તેજીલી ત્રિપુટીને મેદાને ઉતારવાની તૈયારી થઇ રહયાના નિર્દેષ છે.

ભાજપ સરકાર સામે અનામત અને ખેડૂતોના મુદ્દે આંદોલન કરી જાણીતા બનેલા હાર્દિક પટેલને કોંગ્રેસ અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે મેદાને ઉતારે તેવી પ્રબળ સંભાવના છે.ઙ્ગ હાર્દિક માટે મહેસાણા બેઠક પણ અનુકુળ જણાય છે. કોંગીના પુર્વ સાંસદ જીવાભાઇ પટેલ ભાજપમાં જોડાતા ત્યાં સમીકરણોમાં ફેરફાર થયા છે. હાર્દિકનું નામ બન્ને બેઠકો માટે ચાલી રહયું છે.

વડગામ બેઠક પર કોંગ્રેસના ટેકાથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જીજ્ઞેશ મેવાણીનું નામ કચ્છ લોકસભાની અનુસૂચિત જાતિ અનામત બેઠક માટે ઉપસી રહયુ છે.

બનાસકાંઠા જિલ્લાના કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને બનાસકાંઠા બેઠક પરથી લોકસભા લડાવવાની વાતો સંભળાઇ રહી છે. જો કે અલ્પેશ ઠાકોરને ખેંચવા માટે ભાજપ પણ પ્રયત્નશીલ હોવાનું કહેવાય છે. અલ્પેશને ભાજપ તરફ ખેંચી બનાસકાંઠાથી લોકસભા લડાવવાની ભાજપની કથિત યોજના સફળ થાય તો તેની ખાલી પડનાર ધારાસભાની રાધનપુર બેઠક પર શ્રી શંકર ચોૈધરી પેટા ચૂંટણી લડાવાય તેવી અટકળો થઇ રહી છે.

આ બધી વાતો અત્યારે જો અને તો આધારિત છે. અત્યારના સમીકરણો જળવાઇ રહે તો કોંગ્રેસ ત્રિપુટીને જંગમાં ઉતારી જ્ઞાતિગત દ્રષ્ટિએ મોટો ફાયદો મેળવવા આશાવાદી છે. ચૂંટણી સુધીમાં ધાર્યા અને અણધાર્યા રાજકીય વળાંકો શકય છે. (૧.૯)

(12:04 pm IST)