Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ઈસનપુર ભાજપ કોર્પોરેટર પુલકિતનો વીડિયો વાયરલ

સાહેબથી સાચવી લઈશ, મારું મળી જવું જોઈઅ : કોર્પોરેટર અને બિલ્ડર વચ્ચે રૂપિયા ૧૦ હજારની લાંચની આપ-લેનો વીડિયો વાયરલ થતાં જામેલી રાજકીય ગરમી

અમદાવાદ, તા.૨૩ : શહેરના ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસનો ગેરકાયદે બાંધકામ મામલે લાંચ માંગતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જબરદસ્ત ખળભળાટ મચી જવા પામ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં દક્ષિણ ઝોન વિસ્તારમાં એક બિલ્ડર પાસે પુલિકત વ્યાસ ગેરકાયદે બાંધકામને લઈ પૈસા માંગે છે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સાચવી લેવાનું જણાવી રહ્યા છે. કોર્પોરેટર પુલકિત વ્યાસ અધિકારીઓ પરાગભાઈ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર બરંડા સાહેબ વગેરેના નામનો ઉલ્લેખ કરી સાચવી લેવાનું કહે છે. એટલું જ નહી, એક બાંધકામ મામલે બિલ્ડર ભાજપના કોર્પોરેટર પુલિકત વ્યાસને ૧૦ હજાર રૂપિયા આપે છે. પરંતુ કોર્પોરેટર કહે છે આટલામાં કશું ન થાય તેમ કહી બીજા પૈસા માંગે છે અને રૂ.૫ હજાર વધુ ઉમેરી ૧૫ હજારની માગણી કરે છે.

      સાહેબથી હું સાચવી લઈશ, મને મારું મળી જવું જોઈએ. જ્યારે બિલ્ડર એક જગ્યાએ કોંગ્રેસના પ્રદેશ મંત્રી રાજેશ સોનીનું નામ પણ લે છે. આ વીડિયો વાયરલ થતાં અમ્યુકોના અધિકારીઓ પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે તો બીજીબાજુ, અમ્યુકો સત્તાધીશોને ખાસ કરીને શાસક પક્ષને નીચાજોણું થયું છે. વિવાદ ઘેરો બનતાં વિપક્ષ કોંગ્રેસે પણ આ સમગ્ર મામલામાં તાત્કાલિક પગલાં લઇ કસૂરવાર કોર્પોરેટર પુલકિત વ્યાસને કોર્પોરેટર પદેથી દૂર કરવા અને તેમની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી હતી. આ સમગ્ર મામલામાં અમ્યુકોના ઉચ્ચ અધિકારીઓ પરાગભાઇ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર બરંડા સહિતના નામો ઉછળતાં અમ્યુકો તંત્ર દ્વારા પણ તપાસની હૈયાધારણ અપાઇ છે. જો કે, આગામી દિવસોમાં આ સમગ્ર મામલાને લઇ ઘેરા પ્રત્યાઘાત સામે આવે તેવી પણ શકયતા છે.

      હાલ તો, ઇસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ દ્વારા ખુલ્લેઆમ લાંચ લેતો વીડિયો વાયરલ થતાં અમ્યુકો વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને તંત્ર દોડતુ થઇ ગયુ છે. ખાસ કરીને શાસક પક્ષની છબી ફરી એકવાર ખરડાઇ છે. વિપક્ષ કોંગ્રેસ આગામી દિવસોમાં આ મામલાને જોરશોરથી ચગાવવાના મૂડમાં હોઇ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની હૈયાધારણ આપી છે જો કે, તંત્ર શું પગલાં લે છે આ કસૂરવાર કોર્પોરેટર અને બિલ્ડર તેમ જ સંબંધિત અધિકારીઓ વિરૂદ્ધ તે જોવાનું રસપ્રદ રહેશે. વિડિયો વાયરલ થયા બાદ દિવસ દરમિયાન આજે જોરદાર ચર્ચા રહી હતી. રાજકીય વર્તુળોમાં પણ ફરી એકવાર ચર્ચા જામી છે. કોર્પોરેટરના વલણને લઇને સામાન્ય લોકોમાં ચર્ચા વચ્ચે ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

બિલ્ડર-કોર્પોરેટર વચ્ચે વાતચીતના અંશો.......

બિલ્ડરઃ હવે જો મેં બે મકાન બનાવ્યા અને બીજા ત્રણ મકાન ચાલુ કરાવ્યા. મેં પથિકભાઈને જાણ કરી જોઈ લે. આ કામમાં અમને ૭૦થી ૮૦ હજાર રૂપિયા મળે.

કોર્પોરેટરઃ લક્ષ્મીનગર, શ્યામસુંદર નગરમાં તમારું કામ ચાલે છે?

બિલ્ડરઃ ના એમાં કંઈ નથી. ૧૪૯માં બે આપણા છે. રાજેશ સોની પુરી જવાબદારી લેતો હતો.

કોર્પોરેટરઃ પરાગભાઈને મોકલ્યું હમણાં નાગોરીવાળું એક અલ મદની. પતાવી દીધું, મેં જ મોકલ્યું હતું.

બિલ્ડરઃ આ ગણો પૈસા, ૧૦ હજાર

કોર્પોરેટરઃ ૧૦ હજારથી શું થાય, સાવ સોનાની જાળ પાણીમાં નાંખો નહીં. તો રહેવા દો. આગળ બધી મદદ કરીશ. અરે પાંચ વધુ મુકી દો. ૧૫ હજાર કરી દો.

બિલ્ડરઃ વર્ષમાં ૨૫-૩૦ મકાન બનાવું છું પણ આ વખતે બે જ મકાન બનાવ્યા છે.

કોર્પોરેટરઃ ૧૨૦નું કામ ક્યારે ચાલુ કરો છો બોલો, એમાં આપણું કેમનું છે?

બિલ્ડરઃ તમે આરટીઆઈ વાળાની જવાબદારી લેશો?

કોર્પોરેટરઃ ના આરટીઆઈની જવાબદારી થોડી લેવાય, હું અધિકારીઓની જવાબદારી લઉં, તમે પથિકને સાચવો બાકીનું હું સાચવી લઈશ. બરંડા સાહેબ અને ચાવડા સાહેબથી હું સાચવી લઈશ. મને મારું મળી જવું જોઈએ. હું અઠવાડીયામાં ઠરાવ કરાવું છું, ચોમાસાના ત્રણ મહિના કશું તોડવાનું નહીં, ઉપરનું કમિશનનું થઈ જશે. કોઈ જોવાય નહીં આવે. તમે આવો પછી બરંડા સાહેબને કહી દઉં.

(8:40 pm IST)