Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ઉપરવાસમાંથી પાણીની આવકમાં હવે ઘટાડો છતાં નર્મદા ડેમની સપાટી ૧૩૩.૩૯ મીટરની એતિહાસિક સપાટીએ પહોંચી

નર્મદા :સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડેમની સપાટી 133.39 મીટરના ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી થતા પાણીની આવકને પગલે નર્મદા ડેમે આ વર્ષે આ લેવલ મેળવ્યું છે. જોકે, હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી માત્ર 5854 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેની સામે પાણીની જાવક 66410 ક્યુસેક છે.

હાલ ડેમનો માત્ર 1 દરવાજો ખોલવામાં આવ્યો છે. પાણીનું લેવલ વધતા કેવડિયાનો ગોરા બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે પાણીનું લેવલ ઘટતા સતત 7 દિવસથી બંધ રહેલા આ બ્રિજ રાહદારીઓ માટે ખુલ્લો મૂકાયો છે. ડેમમાં 3370 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ RBPH 6 અને CHPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે.

નર્મદા ડેમ પાસે ટુરિઝમ વિકાસ

ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ના એક વર્ષ પૂર્ણ થતાં આગામી 31 ઓક્ટોબર 2019 ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજનારો છે. ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં 40 થી વધુ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. અહીં પ્રવાસીઓની સુવિધા માટે યુનિટી ખાતે ફ્રી વાઇફાઇ સેવાનો આરંભ કરાયો છે. અહીંયા 4g નેટ ફ્રી માં મળશે. તો અહીં સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક,ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન સહિતના પ્રોજેક્ટ્સ બની રહ્યાં છે.  

(4:39 pm IST)