Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પાટણની ડેમુ ટ્રેનમાંથી ૨૫ દિનની બાળકી મળી આવી

ટ્રેનમાં કોઈ અજાણી વ્યક્તિ બાળકીને મૂકી ફરાર : નવજાત બાળકી મળી આવતાં ભારે સનસનાટી : બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરી દેવાઈ

અમદાવાદ, તા.૨૨ : અમદાવાદ શહેરમાં નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સાબરમતી -પાટણ ડેમુ ટ્રેનમાં સીટ નીચેથી ૨૫ દિવસની નવજાત બાળકી પોલીસને મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બાળકીને હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જો કે, નવજાત બાળકીને આ પ્રકારે ત્યજી દેનાર તેની માતા કે વાલીવારસોના આ પ્રકારના અમાનવીય વલણને લઇ લોકોમાં ભારે નારાજગી અને બાળકી પરત્વે ચિંતાની લાગણી ફેલાયેલી જોવા મળી હતી. પોલીસે બાળકીના વાલીવારસોની શોધખોળના પ્રયાસો આદર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બુધવારે સાંજે ૫-૦૦ વાગ્યે પાટણની ડેમુ ટ્રેન અમદાવાદના સાબરમતી ધર્મનગર રેલવે સ્ટેશન પર આવીને ઉભી હતી. રેલવેના મહિલા સફાઈ કર્મી ટ્રેનમાં સફાઈ કરતા હતા ત્યારે ત્રીજા ડબ્બામાં સીટ નીચેથી એક નવજાત બાળકી જીવિત હાલતમાં જોવા મળી હતી. જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી. સાબરમતી પોલીસ તતાકાલિક ડબ્બામાં પહોંચી ગઈ હતી. બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાઇ હતી. રેલવે પોલીસે અજાણી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(9:23 pm IST)