Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મેઘરાજાના અપાર 'હેત'ને સંગ્રહીત કરવામાં ભારે બેદરકારી

ગુજરાત સહિત દેશભરમાં ઓણુકા જબરી મેઘવર્ષા દરમ્યાન કરોડો કયુસેક વરસાદી પાણી થયુ બરબાદ : ૨૦૩૦ સુધીમાં પાણીની માંગ બમણી થશેઃ ૪૦ ટકા વસ્તી પીવાના પાણી માટે મારતી હશે વલખા : દેશના ૨૧ મોટા શહેરોમાં ૨૦૨૦ સુધીમાં જળસ્તર થશે ખતમ

નવી દિલ્હી, તા. ૨૨ :. મેઘો દેશભરમાં આ વખતે બરાબરનો મંડાયો છે. મોટાભાગના રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ૨૦૩૦ સુધીમાં પીવાના અને સિંચાઈના પાણીની માંગ બમણી થશે. દેશના ૨૧ મુખ્ય શહેરમાં ભૂસ્તર ખતમ થવાની અણી પર છે ત્યારે મેઘરાજાના અપાર હેતને સંગ્રહીત કરવામાં સરકાર, તંત્ર તથા લોકોમાં ભારે લાપરવાહી જોવા મળી છે.

દેશમાં આ વર્ષે સામાન્યથી ૨ ટકા વધુ વરસાદ થયો છે ત્યારે વરસાદી પાણીને સંગ્રહીત કરવામાં આપણે ઉણા ઉતર્યા છીએ.

આ વર્ષે જબરદસ્ત વરસાદી માહોલથી લોકોમાં ખુશીઓ અપાર રીતે છલકાઈ રહી છે પરંતુ વરસાદી જળસંગ્રહ કરવાની યોગ્ય યોજનાઓ અને પ્રયત્નોના અભાવથી મેઘરાજાના આ અપાર હેતરૂપી અમૃત બરબાદ થઈ રહ્યુ છે.

નિતિ આયોગના કંપોઝીટ વોટર મેનેઝમેન્ટ ઈન્ડેકસ રિપોર્ટમાં એવો ખૂલાસો થયો છે કે દેશમાં આશરે ૬૦ કરોડ લોકો પાણીની સમસ્યાથી ઘેરાયેલા છે. હજુ જળસંકટ વધુ ઘેરૂ થવાથી સંપૂર્ણ સંભાવના છે ત્યારે આ વર્ષે દેશભરમાં અધિક વર્ષા થઈ છે પરંતુ વરસાદી પાણીનો સંગ્રહ યોગ્ય રીતે થઈ ન શકવાના કારણે કરોડો કયુસેક પાણી બરબાદ થયુ છે.

આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં અતિવૃષ્ટિના કારણે સંખ્યાબંધ જળાશયોમાં દરવાજા ખોલી પાણીનો નિકાલ કરવો પડયો છે ત્યારે એવા સંખ્યાબંધ જળાશયો છે જ્યાં પાણીની આવક નહીવત જોવા મળી છે.

વરસાદી જળસંગ્રહ માટેની કોઈ સુયોજીત નિતિ જોવા મળતી નથી નવા જળાશયો બાંધવાનુ આયોજન પણ નહીવત છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એનડીએ-૨ સરકાર દ્વારા નવા જળસંગ્રહ મંત્રાલયનું આયોજન કરાયુ છે ત્યારે તેના સારા પરિણામો આવવાની શકયતાઓ છે.

કેન્દ્ર સરકાર દ્વારા જળસંગ્રહ તથા જળસરક્ષણને લઈને જળશકિત અભિયાન શરૂ થયુ છે. જળસ્તર સંકટવાળા ૨૫૬ જીલ્લાઓના કુલ ૧૫૯૨ વિસ્તારનું લીસ્ટ તૈયાર કરાયુ છે. જેમાં જળસ્તર સુધારવાના પ્રયાસો આદરાશે.

કેન્દ્ર સરકારની યોજના સારા પરિણામો લાવી શકે પરંતુ જો આ નવી યોજનાઓનો અમલ વ્યવસ્થિત રીતે થાય તો ગંગા સ્વચ્છતા અભિયાનના પરિણામો આપણે જોયા છે જો તેવી જ રીતે રાષ્ટ્રીય જળ નિતિને પ્રભાવી બનાવવાની આવશકયતા છે.

એક સર્વેક્ષણ મુજબ દેશમાં નવી દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ સહિતના ૨૧ મોટા શહેરમાં જળસ્તરની હાલત ચિંતાજનક છે. દેશમાં ૬૦ કરોડ લોકો પાણીની સમસ્યાનો શિકાર છે. ૭૫ ટકા ઘરમાં પીવાના પાણીની સમસ્યા છે, ૭૦ ટકા પાણી પ્રદુષિત છે.

દુનિયાના ૧૨૨ દેશોના વોટર ઈન્ડેકસમાં ભારત ૧૨૦માં સ્થાન પર છે. દેશમાં દર વર્ષે બે લાખ લોકોના મોત ગંદા પાણી પીવાના કારણે થાય છે. દેશના ૮૪ ટકા ગામડાઓના ઘરમાં પાઈપ વાટે પાણી પુરૂ પાડવામાં આવતુ નથી.

જળાશયોમાં માટી અને કચરો જમા થવાના કારણે પાણીની સંગ્રહશકિત ઘટતી જાય છે. આવા સમયે સરકાર, તંત્ર તથા લોકોના એક સંયુકત અભિયાનથી ભારે આવશ્યકતા જરૂરી છે.

(1:17 pm IST)