Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ગૃહ ખાતાનું સર્વોચ્ચ સ્થાન-સુરત પોલીસ કમિશ્નર સહિતના મહત્વના સ્થાનો અમિતભાઇ સાથે ચર્ચા બાદ જ ભરાશે

સુરતના પોલીસ કમિશ્નરની નિવૃતી પહેલા અને સતાવાર જાહેરાત અગાઉ જ સોશ્યલ મીડીયામાં પોલીસ કમિશ્નર તરીકે અનિલ પ્રથમને આવકારતી પોષ્ટ વાયરલઃ સુરત સીપીની વિચારણામાં આઇબીના આર.બી.બ્રહ્મભટ્ટનું નામ અંગે પણ ચર્ચા

રાજકોટ, તા., ૨૨: ગુજરાતમાં અફઘાનીસ્તાનના બેઇઝવાળા આતંકવાદીઓ  ઘુસી રહયાના અહેવાલો, કાશ્મીરમાંથી ૩૭૦ મી કલમ રદ કરવાનો મામલા સહિત  સરહદ પર સર્જાયેલી તંગદીલી છતા રાજય પોલીસ તંત્રમાં ગૃહખાતાના સર્ર્વોચ્ચ વડાના સ્થાન સહિતની ખુબ જ મહત્વની જગ્યાઓ આઇપીએસ કક્ષાએ લાંબા સમયથી ચાર્જમાં ચાલે છે તે માટે હવે આઇએએસ મારફત આઇપીએસ કક્ષાએ પણ આ સમસ્યાનો અંત લાવવા ગાંધીનગર ગંભીરતાથી વિચારી રહયું છે.

ટોચના સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ  ચાલુ માસના અંતે સતિષ શર્માની નિવૃતીથી ખાલી પડનાર સુરતના  પોલીસ કમિશ્નરની  જગ્યા ખુબ જ સંવેદનશીલ હોવા સાથે ગૃહ મંત્રાલયનું ટોચનું સ્થાન સહિત કેટલીક મહત્વની જગ્યા પર પોષ્ટીંગ માટે તા. ર૮-ર૯ના રોજ ગુજરાત આવનારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે ચર્ચા કર્યા બાદ તેઓની સુચના મુજબ જ પોષ્ટીંગ આપવાનું પણ નક્કી થયાનું સુત્રો જણાવી રહયા છે.

દરમિયાન સુરતના પોલીસ કમિશ્નર હજુ નિવૃત થયા નથી અને સતાવાર રીતે કોઇના નામની ઘોષણા થઇ નથી તેવા સમયે સોશ્યલ મીડીયામાં સીઆઇડી ક્રાઇમના એડીશ્નલ ડીજીપી કક્ષાના અનુભવી આઇપીએસ  અનિલ પ્રથમને સુરતના પોલીસ કમિશ્નર તરીકે આવકારતી પોષ્ટ વાયરલ થતા આ બાબતે ગુજરાતભરના પોલીસ તંત્રમાં અનેકવિધ અનુમાનો સાથે રસપ્રદ ચર્ચાઓ શરૂ થઇ છે.

દરમિયાન સુરતના પોલીસ કમિશ્નર પદ માટે એડીશ્નલ ડીજીપી કક્ષાના કાર્યદક્ષ આઇપીએસ મનોજ શશીધરના નામ સાથે ગુપ્તચર બ્યુરોમાં લાંબા વર્ષોથી ફરજ બજાવતા  અને રાજય-કેન્દ્ર સરકારની ગુડસ બુકમાં સ્થાન ધરાવતા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટનું નામ પણ  વિચારણા  હેઠળ છે.

(12:18 pm IST)