Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

RTE અંતર્ગત રદ થયેલ રપ હજાર અરજીઓમાંથી સુધારા બાદ ૧૦ હજાર અરજી મંજુરી કરાતા કુલ અરજીઓનો આંક ૧.૪૯ લાખને આંબ્‍યો

ર૭ મી જુલાઇએ ધો. ૧ ની પ્રવેશ યાદી જાહેર કરવાની શિક્ષણ વિભાગની જાહેરાત

ગાંધીનગર: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE)એક્ટ હેઠળ રદ થયેલી 25 હજાર જેટલી અરજીઓમાં સુધારો કરવા માટેનો સમય આપવામાં આવ્યો હતો. આ અરજીઓ પૈકીની 10 હજાર જેટલી અરજીઓ મંજુર થઈ હોવાનું જાણવા મળે છે. આમ, હવે કુલ મંજુર થયેલી અરજીઓની સંખ્યા 1.49 લાખ પર પહોંચી છે. અગાઉ દસ્તાવેજ સહિતના મુદ્દાઓને લઈને 25 હજાર કરતા વધુ અરજીઓ રદ થતાં શિક્ષણ વિભાગ દ્વારા અરજીમાં સુધારા માટે મુદ્દત આપી હતી. આ મુદ્દતમાં અનેક વાલીઓએ અરજીઓમાં સુધારો કર્યો હતો. ત્યારબાદ તેની ચકાસણીમાં 10 હજાર કરતા વધુ અરજીઓ મંજુર થઈ હોવાનું જાણવા મળ્યું છે.

RTE અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. RTEની 73 હજાર જેટલી બેઠકો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી પુર્ણ થયા બાદ કુલ 1, 81, 162 જેટલી અરજીઓ આવી હતી. આ અરજીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 16, 745 જેટલી અરજીઓ અરજદારો દ્વારા જ કેન્સલ કરવામાં આવી હતી. મોટાભાગના કિસ્સામાં અરજદાર દ્વારા એક જ બાળક માટે બે વખત અરજી કરે ત્યારે પહેલી અરજી કેન્સલ થઈ જતી હોય છે.

આવી જ 16, 745 જેટલી અરજીઓ કેન્સલ થઈ હતી. જ્યારે 25, 957 અરજીઓ રદ થઈ હતી અને 1,38, 460 અરજીઓ મંજુર થઈ હતી. આમ, RTEમાં 25 હજાર કરતા વધુ અરજીઓ રદ થઇ હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા અરજીમાં સુધારો કરવા માટે વાલીઓને એક તક આપવાનું નક્કી કર્યું હતું. જે મુજબ 17 જુલાઈથી 19 જુલાઈ એમ ત્રણ દિવસ માટે ફોર્મમાં સુધારો કરવાનો સમય આપવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસ દરમિયાન અનેક વાલીઓએ ફોર્મમાં સુધારો કર્યો હતો. ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા આ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન અનેક વાલીઓના ફોર્મ મંજુર થયા હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લી સ્થિતિ મુજબ અગાઉ જે 25,957 અરજીઓ રદ થઈ હતી, તે પૈકી 10,640 જેટલી અરજીઓ મંજુર થઈ હોવાનું જાણવા મળે છે. આમ, હવે ફક્ત 15, 317 અરજીઓ જ રદ થઈ છે. જેથી હવે RTE માટે કુલ મંજુર થયેલી અરજીઓની સંખ્યા 1,49, 100 જેટલી થવા જાય છે. અરજીઓ અંગેની સ્થિતિ સ્પષ્ટ થયા બાદ હવે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા 27 જુલાઈના રોજ પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

(11:19 pm IST)