Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

વ્‍યાજખોરોની અવારનવારની ઉઘરાણીથી કંટાળી નિકોલના યુવાને ફીનાઇલની ગોળી ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો : સારવાર માટે હોસ્‍પીટલે ખસેડાયો

અમદાવાદ: વ્‍યાજબ ખોરોની અવારનવારની ઉઘરાણીથી કંટાળી નિકોલના યુવાને ફીનાઇલની ગોળી ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારાવર માટે હોસ્‍પીટલ ખસેડાયો હતો

વધુ વિગત જોઇએ તો અત્રેના નિકોલ ખાતે રહેતા યુવાનને પૈસાની જરૂર પડતા આઠ ટકા વ્યાજે રૂ. 2.50 લાખ લીધા હતા. બંન્ને વ્યાજખોરો અવાર નવાર વ્યાજની ઉઘરાણી માટે ફોન કરી ધમકી આપતા હતા અને યુવકનું ઘર પણ લખાવી લીધુ હતુ. જેથી તંગ આવીને યુવકે ફિનાઈલની ગોળીઓ ખાઈ લઈ આપઘાતની કોશીષ કરી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. આ અંગે નિકોલ પોલીસે બે વ્યાજખોરોના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.

નિકોલમાં રહેતા કિશનભાઈ વાઢેરને પૈસાની જરૂર હોવાથી લાલજી ચૌહાણ અને શૈલેષ ચૌહાણ પાસેથી 8 ટકા વ્યાજે 2.50 લાખ રૂપિયા લીધા હતા. જો કે નવ મહિના સુધી વ્યાજના પૈસા ચુકવી આપ્યા હતા. બાદમાં ધંધામાં મંદી આવી જતા વ્યાજ ચૂકવી શક્યા ન હોવાથી લાલજી ચૌહાણ અને શૈલેષ ચૌહાણ અવાર નવાર ફોન કરીને વ્યાજની માંગણી કરતા હતા. પૈસા આવતા જ ચૂકવી દઈશ તેવી જાણ કરી હોવા છતા અવાર નવાર હેરાન પરેશાન કરતા હતા.

વ્યાજખોરોએ વ્યાજ ન મળતા કિશનભાઈનું રૂ.15 લાખનું મકાન લખાવી લીધુ હતુ અને બે વર્ષમાં પૈસા નહીં આપે તો લખાવી લીધેલા પોતાના મકાનમાંથી જ કાઢી મુકવાની ધમકી આપી હતી. વ્યાજની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. તંગ આવેલા કિશનભાઈએ ઘરમાં મુકેલ ફિનાઈલની સાતેક ગોળીઓ ખાઈ લીધી હતી. જેથી તેમને ઉલ્ટીઓ થતા તેમના પરિવારને આ અંગેની જાણ થઈ હોવાથી કિશનભાઈને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.

નિકોલ પોલીસે કિશનભાઈએ લાલજી ચૌહાણ અને શૈલેષ ચૌહાણના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંન્નેના વિરુદ્ધમાં ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબત અધિનિયમ સહિતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:19 pm IST)