Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સરકારી સ્‍કુલોની ગુણવતાની પોલ છતી થઇ, A- પ્‍લસ ગ્રેડની ફકત ૧૪ શાળાઓ આવતા ખળભળાટ

રાજયના શિક્ષણ વિભાગને કોંગ્રેસે નિષ્‍ફળ ગણાવ્‍યો

ગાંધીનગર: ગુજરાત સ્‍ટેટની 30,681 સરકારી પ્રાથમિક શાળામાં ગુણોત્સવના આંચકાજનક પરિણામો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતાજનક છે. રાજ્યના શિક્ષણ વિભાગની નિષ્ફળતા – નિતિ – નિયત દિશા વિહીનતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશી જણાવ્યું હતું કે, ગુણોત્સવ 2.0માં ગુજરાતની સરકારી સ્કૂલોની ગુણવત્તાની પોલ ખુલી, A+ ગ્રેડની માત્ર 14 શાળાઓ જ આવી છે.

રાજ્યની સરકારી સ્કૂલોનું ખુદ શિક્ષણ વિભાગના જ સર્વે માં B-ગ્રેડ મળ્યો છે. સરેરાશ પરિણામ 57.84 ટકા જ આવતા B-ગ્રેડની 76 ટકા શાળાઓમાં ઉપચારત્વક શિક્ષણ ન થયું. એકમ કસોટી બાદ નબળા વિદ્યાર્થીઓની ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરવાનું હોય છે. 80 ટકા મુલ્યાંકન કસોટી બાદ સુધારા માટે કાર્ય જ ન થયું. 2009થી દાખલ ગુણોત્સવની પ્રથમ પરિણામ 2010માં અમલવારી. અધ્યયન, અધ્યાપનમાં 57.29 ટકા, સંશાધનો 56.55 ટકા. ગુણોત્સવમાં રાજ્યની કુલ 30681 પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરાયો હતો. 53 ટકા શાળામાં હાજરી જ જણાતી નથી. 57 ટકા શિક્ષકો દ્રારા પુસ્તક અને ટેકનોલોજી ઉપયોગ થતો નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માત્ર 20 ટકા જ ભાગીદારી જોવા મળી છે. નર્મદા, તાપી, કચ્છ, ભરૂચ, ડાંગ, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, સરેરાશ કરતા પણ ખરાબ પરિણામ. સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં શિક્ષણની સ્થિતિ અતિ ખરાબ છે.

ડો. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું કે, સ્કુલ મેનેજમેન્ટ કમિટી (SMC) કાગળ પર છે, 48 ટકા વાલીઓને જાણ જ નથી. 93 ટકા શાળામાં શિક્ષકોના ફોટા સહિતની માહિતી દર્શાવતુ બોર્ડ શાળામાં નથી. 65 ટકા શિક્ષકો પુસ્તકોનો ઉપયોગ જ કરતા નથી. 31 ટકા શાળામાં પીવા લાયક પાણી ઉપલબ્ધ નથી. તો 35 ટકા શાળામાં પાણીની ટાંકી / શૌચાલયની સફાઈ નિયમિત થતી નથી. ગુણોત્સવ- 1 માં 5 A+, ગુણોત્સવ- 2માં 13 A+ ફરી તે જ રીતે ગુણોત્સવ- 9 માં 4 A+, ભાજપ સરકાર કરોડો રૂપિયા શિક્ષણ માટે જાહેરાત કરે છે તે નાણાં જાહેરાતો / ઉત્સવોમાં વેડફાઈ રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારની 6000 જેટલી સરકારી શાળાઓને તાળા મારવાનું કામ ભાજપ સરકાર કરવા જઈ રહી છે. એક તરફ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેવાની જાહેરાત હકીકતમાં ગુણવત્તાવાળા શિક્ષણને લીધે નહી પણ, ઉંચી ફીના ધોરણો વાલીઓને ન પોષાતા ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ જવા માટે મજબૂરીથી ફરજ પડી છે. રાજ્યમાં શિક્ષણનું વેપારીકરણ – ખાનગીકરણ માટે ભાજપ સરકાર સીધી જવાબદાર છે.

રાજ્યમાં સરકારી – ગ્રાન્ટેડ શાળાઓનું માળખું તોડી નાંખીને ઉંચી ફી મનફાવે તેમ ઊઘરાવતી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપતા ભાજપ સરકારના ભ્રષ્ટ શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ્ ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુણોત્સવના કારણે A+ ગ્રેડની રાજ્યની સરકારી સ્કૂલોમાં મસમોટો વધારો થયો હોવાનો સરકારનો વાહવાહીનો પરપોટો ગુણોત્સવ 2.0ના પરિણામમાં ફૂટી ગયો છે. ગુણોત્સવ 2.0ના પરિણામમાં અત્યાર સુધીના તમામ 8 ગુણોત્સવ નાપાસ જાહેર થયા હોય તેવો ઘાટ જોવા મળ્યો છે.

ગત વર્ષે એટલે કે, ગુણોત્સવ- 8માં A+ ગ્રેડમાં કુલ 3,207 સરકારી સ્કૂલોનો સમાવેશ થયો હતો, જો કે, ગુણોત્સવ 2.0માં ઘટીને આ સંખ્યા માત્ર 14 એ ગ્રેડમાં આવી ગઈ છે. જ્યાંથી ગુણોત્સવની શરૂઆત થઈ હતી ત્યાં જ આવી ગયા છીએ. રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોની ગુણવત્તા ચકાસવા માટે અને શિક્ષકોનું સ્તર જાણવા માટે વર્ષ 2009થી ગુણોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ – 2018 સુધી એક જ પદ્ધતિથી ગુણોત્સવ યોજાતો હતો.

ગુણોત્સવમાં દર વર્ષે સરકાર દ્વારા મસમોટા તાયફાઓ પણ કરવામાં આવે છે. ગત વર્ષે તો A+ ગ્રેડની શાળાઓની સંખ્યા સીધી 3,207એ પહોંચી જતાં શિક્ષણ વિભાગ અને સરકારે પોતાની પ્રશંસા કરાવવામાં કોઈ કસર છોડી નહોતી. પ્રથમ ગુણોત્સવમાં A+ ગ્રેડમાં માત્ર 5 શાળાઓ હતી જ્યારે A ગ્રેડમાં 262 શાળાઓ હતી. B ગ્રેડમાં 3,823 તેમજ C ગ્રેડમાં 12,887 શાળાઓ અને D ગ્રેડમાં 14,582 હતી. આમ રાજ્યની કુલ 31,652 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી A+ , A અને B ગ્રેડની મળીને માત્ર 4,093 શાળાઓ હતી જ્યારે C અને D ગ્રેડમાં જ 27,469 શાળાઓનો સમાવેશ થયો હતો.

છેલ્લે વર્ષ 2018માં ગુણોત્સવ- 8ના પરિણામમાં રાજ્યની 3,207 સરકારી સ્કૂલો A+ ગ્રેડમાં આવી હતી જે ગુણોત્સવ 2.0માં ઘટીને 14 થઈ ગઈ છે. આ સિવાય A ગ્રેડમાં 22,437 સ્કુલો આવી હતી જે પણ ઘટીને 2,282એ આવી ગઈ છે. A+ ગ્રેડ વાળી સ્કૂલોમાં મોટો ઘટાડો થયો છે જ્યારે B, C અને D ગ્રેડ વાળી નબળી સ્કૂલોમાં મોટો ઉછાળો આવ્યો છે. જેમ કે, ગુણોત્સવ 8માં B ગ્રેડમાં 7,629, C ગ્રેડની સ્કૂલોની સંખ્યા 784 હતી અને D ગ્રેડની સ્કૂલોની સંખ્યા માત્ર 391 હતી, જે વધીને ગુણોત્સવ 2.0 માં B ગ્રેડની સ્કૂલોની સંખ્યા વધીને 20,659, C ગ્રેડની સ્કૂલોની સંખ્યા 7,335, D ગ્રેડની સ્કૂલોની સંખ્યા 391 થઈ ગઈ છે.

(10:01 pm IST)