Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રાજયના પોલીસકર્મીઓને અત્યાધુનિક પોલીસભવનો અને રહેણાકના આવાસો પૂરા પાડવા સરકાર કટિબધ્ધ:ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર ખાતેથી ગૃહ રાજય મંત્રીના હસ્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ આવાસોનુ ઇ-લોકાર્પણ

અમદાવાદ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે ગાધીનગર ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશન તેમજ નેત્રંગ ખાતેના પોલીસ આવાસો ( કક્ષા બી – ૩૨ (જી+૩ ) તથા સી-૧ યુનિટ અને જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે કક્ષા -૩૨ યુનિટ નુ ઇ-લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે, રાજયમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સામે પણ રાજયની વિકાસયાત્રા અવિરત પણે ચાલુ રહે એ આશયથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઈ-લોકાર્પણનો નવતર અભિગમ અપનાવ્યો છે.જેના પરિણામે લોકો એકત્ર નથાય અને યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સીગ જળવાય અને કોરોનાનું સંક્રમણ અટકે રાજય સરકારના અસરકારક પ્રયાસોના પરિણામે કોરોનાને અંકુશમા લેવા સફળતા મળી છે જેમાં નાગરિકોનો પણ એટલોજ સહયોગ મળી રહ્યો છે.

 

   મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ વાળી સંવેદનશીલ રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષાના હેતુથી કાયદો અને વ્યવસ્થાના અમલી કરણ માટે અને તેને વધુ મજબુત બનાવવા સતત પ્રયત્નશીલ છે અને તેની સાથે પોલીસ કર્મચારીઓની નિવાસ અને આરોગ્ય જેવી પ્રાથમિક સવલતો માટે સતત ચિંતિત છે. માન. વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ સરકારે નાના કર્મચારીઓની ચિંતા કરી તેમને આરમદાયક રહેણાંક્ની સુવિધા મળી રહે તે માટે કાર્પેટ એરિયામાં પણ વધારો કરી મોટા આવાસો પુરા પાડવાનો નિર્ધાર કરેલ છે.
 ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ હેઠળ તૈયાર કરવામાં આવેલા ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશનનું અને પી.એસ.આઇ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓના પોલીસ આવાસોના ઇ-લોકાર્પણ કરતાં જેના પરિણામ સ્વરૂપે આજે મારા પોલીસ કર્મચારીઓને આવાસો આપતા ખુશી અને ગૌરવની લાગણી અનુભવુ છું એમ જણાવી મંત્રી જાડેજાએ કહ્યુ કે પોલીસ કર્મીઓને આ આવાસ મળતા તેમના પરિવારજનો સહિત બાળકોને અભ્યાસ સહિતની સુવિધાઓમાં મદદગાર નીવડશે.નેત્રંગ પોલીસ સ્ટેશન, પોલીસ સબ ઇન્સપેક્ટર કેટેગરી “સી” ના ૦૧ આવાસના તેમજ પોલીસ કોન્સ્ટેબલ માટે “બી” કેટેગરીના ૩૨ આવાસ માટેના કુલ રૂ, ૨૮૧.૩૩ લાખના ખર્ચે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યુ કે,વર્ષ ૨૦૧૪માં નેત્રંગ તાલુકો ભરૂચમાં નવો તાલુકો બનતાં નેત્રંગ પોલીસ સ્ટેશનની કામગીરીનો પ્રારંભ કરાયો હતો આથી જિલ્લાના સરહદી તાલુકામાં પ્રજાજનોની સલામતીની સાથો સાથ સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ વધુ સુદ્રઢ બનશે.

મંત્રીશ્રી જાડેજાએ નેત્રંગની સાથો સાથ જિલ્લાના ભરૂચ શહેરમાં આવેલા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ માટે “બી” કક્ષાના ૩૨ આવાસો રૂ.૨૦૪.૫૬ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે તેનું પણ લોકાર્પણ કર્યુ હતું.
        કોરોનાની મહામારીના આ કાળમાં રાજ્ય પોલીસ પ્રજાની સેવાલક્ષી કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે , કોરોનાની ગંભીર બિમારીમાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર રાત દિવસ ખડે પગે રાજ્યની પોલીસ કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવાની કામગીરીમાં સંક્રિય ભૂમિકા ભજવી રહી છે તે અભિનંદનને પાત્ર છે. સાથોસાથ ભરૂચ જિલ્લામાં કોરોનાના વધતા કેસો અંગે પણ મંત્રીશ્રીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તમામે ફરજિયાતપણે માસ્ક પહેરી અને સોશીયલ ડીસ્ટન્સીંગ દ્વારા કોરોના સામેની લડાઇ લડવી પડશે.

આ પ્રસંગે અને ભરૂચ ખાતે સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, સ્થાનિક પદાધિકારીઓ શ્રી માનસીંગભાઇ વસાવા, શ્રી સેવન્તુભાઇ વસાવા, શ્રી રાયસંગભાઇ વસાવા તથા શ્રી પરેશભાઇ ભાટિયા અને શ્રી સંજયભાઇ વસાવા અને જિલ્લા પોલીસ વડા શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા અન્ય અધિકારી / કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(6:53 pm IST)