Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ગુજરાતમાં પેટાચૂંટણી પાછી ઠેલવા કોઇ સૂચના નહિ : તૈયારી યથાવત

પ બેઠકોની મુદત ૧૪ સપ્ટેમ્બરે અને ૩ બેઠકોની મુદત ડીસેમ્બર પ્રારંભે પૂરી થાય છે

રાજકોટ,તા. ર૩ :  કેન્દ્રીય ચૂંટણી પંચે જયાં ૭ સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની પેટાચૂંટણી કરવા પાત્ર થતી હોય ત્યાં મોકૂફ રાખવા કરેલ નિર્ણય ગુજરાતને અસરકર્તા નથી. ગુજરાતની ૮ બેઠકોની પેટાચૂંટણી માટે કોઇ સૂચના ન હોવાથી તૈયારી યથાવત રાખવામાં આવી છે.

ગુજરાતમાં ૮ ધારાસભ્યોના રાજીનામાંથી બેઠકો ખાલી પડી છે. પાંચ બેઠકો ખાલી રહેવાની ૬ માસની સમય મર્યાદા ૧૪ સપ્ટેમ્બરે પુરી થાય છે. બાકીની ૩ બેઠકોના ધારાસભ્યોએ જન પ્રારંભે રાજીનામા આપેલ. તેની મુદત ડીસેમ્બરના  પ્રારંભે પુરી થાય છે બેઠક ખાલી થયા બાદ ૬ મહિનામાં પેટાચૂંટણી કરી લેવી ફરજિયાત છે. અન્ય અમુક રાજયોમાં કોરોનાના કારણે પેટાચૂંટણી પાછી ધકેલાઇ છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ૯ સપ્ટેમ્બર સુધીમાં જેની મુદત પુરી થતી હોય તેની પેટાચૂંટણી પર બ્રેક લગાવી છે. સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ આજનો આદેશ ગુજરાતની પેટાચૂંટણી સંદર્ભે લાગુ પડતો નથી.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ પણ કેન્દ્રીય ચુંટણી પંચે ગુજરાતની ચૂંટણી પાછી ઠેલાવા બાબતે કોઇ સૂચના મળ્યાનું નકારી ઉમેરેલ કે પેટાચૂંટણીની તૈયારી ચાલુ છે. આવતા દિવસોમાં કેન્દ્રીય ચૂંટણી પંચની જે સૂચના આવે તે મુજબ આગળ વધશું.

(3:51 pm IST)