Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સુરતના ઈચ્છાપોરમાં 15 લાખથી વધુબની ચોરી કરનાર બિહારની કુખ્યાત ઘોડાસહન ગેંગનો સાગરીત ઝડપાયો

સુપર સ્ટોરમાંથી ૧૫ લાખથી વધુના મોબાઇલ ફોન,કાંડા ઘડિયાળ વગેરેની ચોરી થવા પામી હતી

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાંથી એક માસ પહેલા  સુપર સ્ટોરમાંથી ૧૫ લાખથી વધુના મોબાઇલ ફોન,કાંડા ઘડિયાળ વગેરેની ચોરી થવા પામી હતી. આ ચોરી કરનાર બિહારની કુખ્યાત ઘોડાસહન ગેંગના સાગરિતો દ્વારા કરવામાં આવી હોવાનું બહાર આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળતા ક્રાઇમ બ્રાન્ચે ગેંગના એક સદસ્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત ખાતે છેલ્લા કેટલાંય સમયથી ઘોડાસહન એટલે કે ચદ્દર ગેંગનો આતંક વધ્યો હતો. આ ગેંગ બિહારના ઘોડાસહન ગામથી આવીને મોટા શહેરોમાં ચોરીની વારદાતને અંજામ આપતી હોય છે. આ ગેંગમાં 11 જેટલા સભ્યો ફક્ત મોબાઇલ અને મોંઘીદાટ કાંડા ઘડિયાળોની ચોરી કરતા હોય છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ ગેંગના સભ્યો પહેલા આવીને વિસ્તાર સહિત ચોરી કર્યા બાદ કઇ ટ્રેન મળશે એ તમામ વસ્તુઓની રેકી કર્યા બાદ આ ગેંગ બિહારના ઘોડાસહન ગામથી આવ્યા બાદ મોટા શોરૂમને ટાર્ગેટ બનાવે છે અને ફક્ત મોબાઇલ અને ઘડિયાળોની જ ચોરી કરતી હોય છે ચોરી કર્યા બાદ ગેંગના સભ્યો તાત્કાલિક બિહાર રવાના થાય છે અને તેમના ગામથી 15 કિમી દૂર આવેલા નેપાળ જઇને ચોરીના સામાનને વેચી આવતા હોય છે.

સુરતના ઇચ્છાપોરના મોલમાં ચોરી કર્યા બાદ આ ગેંગના સભ્યો તમામ બિહાર ભાગી છૂટ્યા હતા આ ગેંગના સભ્યોને શોધવા જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ બિહાર પહોંચી ત્યારે માલૂમ પડ્યું કે આ તમામ આરોપીઓ હાલ નેપાળમાં છે પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે બાતમી મળી હતી કે આ ગેંગના સભ્ય રેકી કરવા માટે સુરત પરત આવી રહ્યા છે. ત્યારથી જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી. જ્યારે ટીમનો સભ્ય મોહમ્મદ સફીક તેલી સુરત પહોંચ્યો કે તરત જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધો હતો

 . જો કે આ ગેંગના હાલ એક જ સભ્ય મોહમદ સફીક સુખલમિયા તેલીની ધરપકડ કરવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે જો કે પોલીસ દ્વારા જ્યારે આ શખ્સની તપાસ કરવામાં આવી તો તેની પાસેથી પોલીસને રાજસ્થાનથી ચોરી કરાયેલી 3 જેટલા મોબાઇલ મળી આવ્યા હતા. ઇચ્છાપોર વિસ્તારની ચોરીને અંજામ આપતા પહેલા જ્યારે આ શખ્સો અહીં રેકી કરવામાં માટે આવ્યા હતા ત્યારે સુરતના મોરા ગામ ખાતે રોકાયા હતા. હાલ તો આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલુ છે. અને દેશના અનેક રાજ્યોની ચોરીના ભેદ ઉકેલાય એવી શક્યતાઓ દેખાઇ રહી છે.

(8:40 pm IST)