Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

લગ્નના ૪ દિવસ બાદ ફરાર થયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ

પિરિયડ્સનું બહાનું કાઢી પતિને દૂર રાખતી હતી : ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ફરાર પિન્કીની ધરપકડ કરી : લખતરના વાળંદ સાથે ૧.૬૦ લાખની છેતરપિંડી

અમદાવાદ, તા.૨૩ : સુરેન્દ્રનગરના લખતરમાં રહેતા અને વાળંદ કામ કરતા યુવાન સાથે લગ્ન કરી રૃ.૧.૬૦ લાખની છેતરપીંડી આચરનાર અને લગ્નના ચાર દિવસ બાદ ફરાર થયેલી લૂંટેરી દુલ્હન આખરે ઝડપાઇ ગઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આરોપી યુવતી પિન્કીને ઝડપી લઇ તેને સુરેન્દ્રનગર પોલીસને સોંપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વાત સામે આવી હતી કે, લગ્ન બાદ પિન્કી પિરિયડ્સનું બહાનુ કાઢી તેના પતિને શરીરસુખથી દૂર રાખતી હતી અને બાદમાં માતાની ખબર કાઢવાનું કહી પાછી જ આવી ન હતી પરંતુ આખરે પોલીસે ફરાર થયેલી આ લૂંટેરી દુલ્હનને ઝડપી લીધી હતી. સુરેન્દ્રનગરના લખતરમાં રહેતા અને વાળંદ કામ કરતા યુવાને સુરેન્દ્રનગરમાં તા. ૩ જાન્યુઆરીએ પિન્કી નામની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના ચાર દિવસ બાદ માતાની બીમારીનું કહી પરિણીતા પિયર ગયા બાદ તેણી પાછી જ ફરી ન હતી. જેથી યુવકે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે લગ્ન કરાવી આપનાર ચાર શખ્સો સામે રૃપિયા ૧.૬૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પિન્કીની ધરપકડ કરી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન અમદાવાદ પોલીસને બાતમી મળી હતી કે, છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ રશ્મીકા ઉર્ફે પિન્કી વટવામાં છે. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસને સોંપી હતી. પિન્કીએ પુછપરછમાં જણાવ્યું હતું કે, ભરતભાઈના કહેવાથી પૈસાની લાલચે ભાવેશભાઈ સાથે લગ્ન કરી છેતરપિંડી આચરી હતી. લખતરની સુથાર શેરીમાં રહેતા ૩૫ વર્ષના વાળંદ યુવાન ભાવેશભાઇ ભીખાભાઇ લખતરીયાના લગ્ન ન થતા તેઓ દલાલોના સંપર્કમાં આવ્યા હતા. જેમાં મૂળ તારાપુરની અને હાલ અમદાવાદ રહેતી યુવતી પિન્કી તેઓને બતાવાઇ હતી. આ યુવતી સાથે લગ્ન કરાવવા સુરેન્દ્રનગરના કરમશીભાઇ ઉર્ફે વેરશીભાઇ શાર્દુલભાઇ રબારી, અબ્દુલખાન નગરખાન મલેક, ભરતભાઇ પ્રહલાદભાઇ પુજારા અને નડીયાદના સરોજબેન બાબુભાઇ મોચીએ રૃપિયા ૧.૭૦ લાખની માંગણી કરી હતી. પરંતુ અંતે રૃપિયા રૃ.૧.૬૦ લાખમાં પતાવટ કરી ભાવેશભાઇને નાણા આપ્યા હતા. ગત તા. ૩ જાન્યુઆરીએ કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં બેઠક કરી સ્ટેમ્પ પેપર પર કરાર કરી ભાવેશભાઇ પત્ની પીંકીને લઇ લખતર ગયા હતા. જ્યાંથી માતા બીમાર હોવાનું કહી તા. ૭ના રોજ લખતરથી પિન્કી અમદાવાદ જવા નીકળી હતી. થોડા દિવસો સુધી પિન્કી નહી આવતા ભાવેશભાઇએ સરોજબેનને પૂછતા તેઓએ તારાપુરનું તેનું ઘર બંધ હોવાનું કહ્યુ હતુ. બનાવને છ માસ થયા બાદ પોતે છેતરાયા હોવાની જાણ થતા મહિલા સહિત ચારેય શખ્સો સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લખતરના યુવાનના લગ્ન થયા બાદ માસીકનું બહાનુ કાઢી બે દિવસ પતિને દૂર રાખ્યો હતો. ત્યારબાદ બે દિવસ માતા બીમાર હોવાથી ઘરે જવાની વાત કરી ચોથા દિવસે પિન્કી લખતરથી અમદાવાદ જવા નીકળી હતી. અગાઉ કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં ભાવેશભાઇને પીંકી બતાવ્યા બાદ બન્નેએ એકાંતમાં વાત કરી હતી. જેમાં પિન્કીએ જણાવ્યું હતું કે, તમે મને ગમો છો. આપણે પતિ-પત્ની બનીશુ. ત્યારબાદ સ્ટેમ્પ પેપર પર કરાર કરાયા હતા.

(8:22 pm IST)