Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અહેમદ પટેલને હાઇકોર્ટનો ઝટકો :ધારાસભ્યોની સીડી મામલે પાંચ હજારનો દંડ ફટકાર્યો

ધારાસભ્યોના નિવેદનની સીડી રજૂ કરવા સાક્ષીઓને મંજૂરીની વારંવાર આગ્રહ રાખવો કાયદાનું ઉલ્લંઘન ;માંગ 5 હજારના દંડ સાથે ફગાવી

અમદાવાદ ;કોંગ્રેસના ટોચના નેતા અહેમદ પટેલને હાઇકોર્ટે ઝટકો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના નેતા અહેમદ પટેલને પાંચ હજારનો દંડ ફટકાર્યો કે જ્યારે તેમના વકીલે 2017માં થયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં ધારાસભ્યો દ્વારા આપવામાં આવેલા નિવેદનોની સીડી રજૂ કરવા માટે સાક્ષીને મંજુરી આપવાની માંગ કરી હતી.

  હાઈકોર્ટના જજ બેલાબેન ત્રિવેદીએ અહેમદ પટેલને દંડ ફટકારતા કહ્યું કે કોર્ટે આ પહેલાં પણ તેમની વિનંતીને ફગાવી હતી અને ફરીવાર તે જ આગ્રહ રાખવો તે કાયદાની પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. અહેમદ પટેલના વકીલ પીએસ ચાંપાનેરીએ કહ્યું હતું કે સાક્ષી બલદેવજી ઠાકોરને સીડી રજૂ કરવા માટે મંજુરી આપવામાં આવે. આ સીડીમાં ધારાસભ્યોએ 2017ની રાજ્યસભાની ચૂંટણી પહેલા બેંગ્લુરુ રિસોર્ટમાં રોકાણ દરમિયાન આપેલા નિવેદન છે.

જજ બેલાબેન  ત્રિવેદીએ કહ્યું કે કોર્ટની નજરમાં આ મામલામાં વિશેષ કશું નથી પણ પ્રતિવાદી દ્વારા કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે. આગળ કશી પણ વિચારણા કર્યા વિના સાક્ષી બલદેવજી ઠાકોર તરફથી સીડી રજૂ કરવાની માંગને પાંચ જૂલાઈના આદેશના અનુસંધાને ફગાવી દેવાનું યોગ્ય ઠરે છે.

કોર્ટે આદેશમાં કહ્યું કે આવા પ્રકારની માગ ફગાવી દેવા યોગ્ય છે. જેથી કરીને આ માંગ પાંચ હજારના દંડ સાથે ફગાવી દેવામાં આવે છે. પ્રતિવાદી દ્વારા આ દંડી રકમ હવે પછીની સુનાવણી દરમિયાન જમા કરવામાં આવશે.

હાઈકોર્ટે પાંચ જૂલાઈએ આદેશ જારી કરીને સાક્ષી રોહન ગુપ્તાને પેન ડ્રાઈવ રજૂ કરવાની મંજુરી આપી ન હતી. આ પેન ડ્રાઈવમાં પણ બેંગ્લુરુ રિસોર્ટ દરિમયાન ધારાસભ્યોએ આપેલા નિવેદનોનો સમાવેશ થાય છે.

હાઈકોર્ટમાં ભાજપના રાજ્યસભાના ઉમેદવાર બલવંતસિંહ ઠાકોરની અરજી પર સુનાવણી કરવામાં આવી રહી છે. બલવંતસિંહે રાજ્યસભાની ચૂંટણી રદ્દ કરવાની અપીલ કરી છે અને કહ્યું હતું કે અહેમદ પટેલે મતદાન માટે કોંગ્રેસના ધારાસભ્યેને લાંચ આપી હતી.

(7:21 pm IST)