Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમદાવાદમાં પાલતુ પ્રાણીઓ માટે બનશે CNG સ્મશાનગૃહ : આરોગ્ય કમિટી દ્વારા દરખાસ્ત કરાશે

બિલાડીથી હાથી સુધીનાં પાલતુ પ્રાણીના અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા થશે

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના  શાસકોએ બિલાડીથી હાથી સુધીનાં પાલતુ પ્રાણીના મનુષ્યની જેમ અગ્નિસંસ્કાર માટે અલગ સીએનજી સ્મશાનગૃહ બનાવવાની દિશામાં વિચારણા હાથ ધરી છે. શહેરનાં રખડતાં ઢોર રસ્તામાં મૃત હાલતમાં મળી આવે તો જાગૃત નાગરિક દ્વારા તંત્રના પેલ ડેપો કે વોર્ડ ઓફિસમાં આની ફરિયાદ કરાય છે કે જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ગ્યાસપુર ખાતે આવેલ કાર્કસ ડેપોને પહોંચાડાય છે

  . કાર્કસ ડેપોથી મૃત પ્રાણીના બોડીને ઊંચકી ગ્યાસપુર સુધી લઇ જવા માટે સવાર અને સાંજની શિફટમાં બે-બે વાહન દોડે છે. ગ્યાસપુરના કાર્કસ ડેપોમાં નિશ્ચિત જગ્યાએ ઊંડા ખાડા ખોદી તેમાં મીઠું નાખી રખડતાં પશુના મૃતદેહનો નિકાલ કરાય છે, જ્યારે મૃત વાંદરાની બોડીનો નિકાલ કાંકરિયા ઝૂના સત્તાવાળાઓ કરે છે.

   હેલ્થ કમિટીની બેઠકમાં બોડકદેવના કોર્પોરેટર અને કમિટીનાં સભ્ય દીપ્તિબહેન અમરકોટિયાએ પશુપ્રેમીઓને પડતી આ મુશ્કેલીઓ અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. દીપ્તિબહેન અમરકોટિયાએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં શ્વાન-બિલાડી વગેરે પાળનારા શોખીનોની સંખ્યા નોંધપાત્ર બની હોઈ તેમનાં પાલતુ પ્રાણીઓ માટે અલગ સીએનજી સ્મશાનગૃહની વ્યવસ્થા તંત્રએ કરવી જોઇએ.

આ પ્રાણીઓ માટે અલગ સીએનજી (CNG) સ્મશાનગૃહની વ્યવસ્થા કરવાથી પશુપ્રેમીઓને પણ તેમનાં પ્રાણીના યોગ્ય અગ્નિસંસ્કાર થવાથી આનંદની લાગણી થશે તેમજ અવાવરું જગ્યાએ દાટેલાં પ્રાણીઓ રખડતાં પશુઓથી ચૂંથાતાં બચી જઇ તે વિસ્તાર રોગચાળામુક્ત બનશે.

દરમ્યાન હેલ્થ કમિટીના ચેરમેન પરેશ પટેલ કહે છે, આ અંગે મ્યુનિ. હેલ્થ વિભાગના વડા ડો.ભાવિન સોલંકીને લેખિતમાં પત્ર લખી પાલતુ પ્રાણી માટેના અલગ સીએનજી સ્મશાનગૃહની વ્યવસ્થા ગોઠવવાનો અનુરોધ કરાશે. જ્યારે ડો.ભાવિન સોલંકી કહે છે, ચેરમેનના લેખિત પત્ર બાદ આ સંદર્ભે સક્ષમ સત્તા સમક્ષ રજૂઆત કરી તેનો અભિપ્રાય લેવાશે.

(1:17 pm IST)