Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભાવનગરના અલ્પેશ-અંજારના મિલાપ સહિત ૩ની ધરપકડ

અમદાવાદમાં એરગન કારતુસના પાર્સલમાં થયેલા ધડાકામાં ભાવનગર અને અંજાર સુધી પગેરૂ નિકળ્યું હતું: અકિલા સાથે ડીસીપી નિરજ બડગુજરની વાતચીત : ઉતરપ્રદેશથી પાર્સલ કયા સંજોગોમાં પરત આવ્યું? યુપીના ઝાંસી સુધી તપાસનો દોર લંબાયોઃ ભારે ધમધમાટ

રાજકોટ, તા., ર૩: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફીસમાં એરગનના કારતુસના પાર્સલમાં  ધડાકો થવાની ઘટનામાં માનવીની જીંદગી જોખમાઇ તે રીતે સ્ફોટક પદાર્થોની હેરાફેરી કરવા બદલ ભાવનગર, અંજાર અને અંબાજીના વેપારીઓ સામે ગુન્હો દાખલ કર્યા બાદ તેમની ધરપકડ થયાનું અમદાવાદ ઝોન-૪નાં ડીસીપી નિરજ બડગુજરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

ભાવનગરના અલ્પેશ અંજારના મિલાપ  સહિત ત્રણની અટક કરવામાં આવ્યાનું પણ પોલીસ સુત્રો જણાવે છે.

અકિલા સાથેની વિશેષ વાતચીતમાં ડીસીપી નિરજકુમારે જણાવેલ આ ગંભીર ઘટનાની ત્વરીત તપાસ કરવા માટે ફોરેન્સીકની મદદ લેવા સાથે બોંબ ડીસ્પોઝલ સ્કવોડ વિગેરેની મદદ લેવામાં આવેલ. તપાસ દરમિયાન ગત પ જુલાઇના રોજ અંજારથી મિલાપભાઇ નામની વ્યકિતએ જે પાર્સલ ઉતરપ્રદેશના ઝાંસીના સુમીત ઠાકુરને મોકલાયેલ તે પાર્સલ કેવા સંજોગોમાં રીટર્ન થયું તે દિશામાં તપાસ કરવા માટે ઉતરપ્રદેશ સુધી તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.

અત્રે યાદ રહે કે પોસ્ટ ઓફીસમાં એક કર્મચારીના હાથમાંથી પાર્સલ પડી જતા આ ધડાકો થયો હતો. પ્રાથમીક તપાસમાં સ્ફોટક પદાર્થ જણાતા પોલીસને જાણ થતા સાથે જ સેકટર-ર ના ઇન્ચાર્જ એડીશ્નલ પોલીસ કમિશ્નર પ્રેમવિરસિંહ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમીક તપાસમાં એરગન અને ચાઇનીસ ગનમાં વાપરી શકાય તેવા ર૦ કારતુસોવાળા પેકેટમાંથી ૮ કારતુસ તુટયા હતા. અકસ્માતે ફુટેલા આ કારતુસને કારણે માનવ જીંદગી સાથે કેવા ચેડા થાય છે તેના કરતુતો ખુલ્યા હતા.

ડીસીપી  નીરજ બડગુજરે જણાવેલ કે કારતુસનો આ જથ્થો ભાવનગરના અલ્પેશે કચ્છના મિલાપને વેચ્યો હતો. મિલાપે એરગનના કારતુસનો જથ્થો ઝાંસીના સુમીત ઠાકુરને મોકલેલો. આરોપીઓ સામે કલમ-ર૮૬, ૩૩૬ અને એકસ્પ્લોઝીવ  એકટની કલમ હેઠળ ઉકત ત્રણેય સામે ગુન્હા નોંધી તપાસ હાથ ધરાયેલ. અત્રે યાદ રહે કે અમદાવાદમાં સ્ટાટર ગનના દુરપયોગ દ્વારા લોકોને લુંટવાની ઘટનાના કિસ્સાઓ બન્યા હતા તે જાણીતી વાત છે.

(12:17 pm IST)