Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

લાજપોર જેલમાંથી સીઆઇડી દ્વારા રાકેશ સવાણીની ધરપકડ

કરોડોનું બીટ કોઇન કૌભાંડઃ એક વર્ષથી વોન્ટેડ સમગ્ર એશીયન રીજીયન મેેનેજરની અંતે ધરપકડ : કરોડોનો મુદામાલ કબ્જેઃ સીઆઇડીની ખાસ ટીમો તુર્તમાં ગોવા જશેઃ ભેટમાં અપાયેલી મર્સીડીસ-ફરારી જેવી કારો કબ્જે કરવા આશીષ ભાટીયાના માર્ગદર્શનમાં ભારે દોડધામ

રાજકોટ, તા., ર૩: સમગ્ર ગુજરાતમાં બીટ કોઇનના નામે કરોડોનું કૌભાંડ આચરનાર ટોળકીના એક મહત્વના સાગ્રીત કે જેઓ સમગ્ર એશીયન રીજીયનના મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અને જેઓ છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતા તેવા રાકેશ સવાણીની સુરતની લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા સાથે કરોડોનો મુદામાલ કબ્જેે થયાની બાબતને અકિલા સાથેની વાતચીતમાં સીઆઇડી વડા આશીષ ભાટીયાએ સમર્થન આપ્યું છે.

સીઆઇડી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ બીટ કોઇન કૌભાંડના માસ્ટર માઇન્ડ પૈકીના સતીષ કું઼ભાણીએ  નવેમ્બર-ર૦૧૭માં બીટ કનેકટ કંપનીની ઓફીસ ગોવામાં સીફટ કરી હતી. ગોવામાં કયા કયાં રોકાણકારોને શીશામાં ઉતાર્યા હતા તે બાબતેની તપાસ કરવા માટે સીઆઇડીની ખાસ ટીમો તુર્તમાં ગોવા પહોંચનાર હોવાનું બહાર આવ્યું છે.

સીઆઇડી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સીઆઇડી વડા આશીષ ભાટીયાના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસમાં આરોપીઓ દ્વારા રોકાણકારોને બેંગ્કોક પટાયા ખાતે ખાસ ઇવેન્ટ યોજી વિવિધ દેશોના પ્રમોટર્સને રીવોટ તરીકે એસ્ટોન માર્ટીન, મર્સીડીસ તથા ફરારી જેવી મોંઘી કારો આપેલ તે કોના કબ્જામાં છે? તેની તપાસ સીઆઇડીએ હાથ ધરી આ કારોનો કબ્જો લેવામાં આવશે.

સીઆઇડી વડા આશીષ ભાટીયાએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે અદાલતના આદેશ બાદ  કબ્જે લેવાયેલ મિલ્કતો અને બીટ કોઇનની હરરાજી કરી તેનું રોકડમાં રૂપાંતર કરી છેતરપીંડીનો ભોગ બનનાર લોકોને કોમ્પીટન્ટ ઓથોરીટી મારફત રકમ કઇ રીતે ચુકવી શકાય? તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.

અત્રે યાદ રહે કે ર૦૧૮ના જુલાઇ મહિનામાં કરોડોનું બીટ કોઇન કૌભાંડ પ્રકાશમાં આવતા માસ્ટર માઇન્ડ મનાતા સતિષ કુંભાણી, દિવ્યેશ દરજી, સુરેશ ગોરસીયા અને ધવલ માવાણીએ અનેક લોકો સાથે છેતરપીંડી આચાર્યાનું પ્રકાશમાં આવ્યું હતું. તાજેતરમાં જ વડોદરામાં પણ એક શખ્સે બીટ કોઇન મામલે આપઘાત કરતા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે આ બાબતની સઘન તપાસ શરૂ કરવા આદેશ આપ્યા છે.

(12:16 pm IST)