Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અસુરક્ષિત ગુજરાત

ગેંગરેપના ૩૧ ટકા જેટલા કિસ્સા અમદાવાદ- સુરત- વડોદરા- રાજકોટમાં

પ વર્ષમાં ગેંગરેપના ૯૭ જેટલી ઘટનાઓ

અમદાવાદ, તા.૨૩: ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો ભલે મોટેમોટેથી થઈ રહી હોય પરંતુ હકીકત તો કંઈક બીજુ જ કહી રહી છે. ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં સરકારે પોતે જ જણાવ્યું છે કે રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં ૯૭ ગેંગ રેપના કેસ નોંધાયા છે. જેમાંથી ૧૫ જેટલા કેસ તો માત્ર અમદાવાદના જ છે, જયાં મોડી રાત સુધી ઘરની બહેન-દીકરીઓ એકલી ફરતી હોય છે.

બોરસાદના ધારાસભ્ય રાજેન્દ્ર પરમારે પૂછેલા સવાલના જવાબમાં ગુજરાત સરકારે કહ્યું કે, ગેંગ રેપના ૩૧ ટકા જેટલા કિસ્સાઓ રાજયના ચાર મુખ્ય શહેર અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં બન્યા છે.

આ મુદ્દે વિગતવાર માહિતી આપતાં સરકારે કહ્યું કે પહેલી ઓકટોબર ૨૦૧૩થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન ગેંગ રેપના સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાંથી નોંધાયા હતા. જે બાદ નવ કેસ સાથે 'ડાયમંડ સિટી' સુરત બીજા નંબરે છે. ગેંગ રેપના કેસ મામલે આદિવાસી જિલ્લો પંચમહાલ ત્રીજા નંબરે છે, જયાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સાત જેટલા સામૂહિક દુષ્કર્મના કેસ નોંધાયા હતા.

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પૂછેલા સવાલના જવાબમાં સરકારે જે આંકડો આપ્યો છે તે ઘણો જ ચોંકાવનારો છે. આ આંકડા મુજબ ૯૭ ગેંગ રેપ કેસમાંથી ૪૯ જેટલા કેસ તો માત્ર બે વર્ષ દરમિયાન જ નોંધાયેલા છે. પહેલી ઓકટોબર ૨૦૧૩થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪ દરમિયાન ગેંગ રેપના ૨૫ કેસ નોંધાયા હતા. જયારે ૨૦૧૬-૧૭ દરમિયાન ૨૪ કેસ નોંધાયા હતા.ગેનીબેન ઠાકોરને જવાબ આપતાં સરકારે કહ્યું કે આ ગેંગ રેપ કેસમાં ૪૦૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે ૨૩ આરોપીઓની ધરપકડ કરવાની હજુ બાકી છે તેમાંથી ૧૮ આરોપીઓએ હાઈકોર્ટનો આશરો લીધો છે અને કોર્ટે પણ તેમની ધરપકડ કરવા પર સ્ટે મુકયો છે. આ સિવાય પાંચ જેટલા આરોપીઓ ફરાર છે. તેની ટૂંક સમયમાં જ ધરપકડ કરવામાં આવશે તેમ સરકારે કહ્યું.

(12:11 pm IST)