Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ચંદુભાઇ ફળદુને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ

ગુજરાતના સુપ્રસિધ્ધ કિસાન નેતા અને જાણીતા ઉદ્યોગપતિ-ફિલ્મ ફાયનાન્સર

રાજકોટ : સૌરાષ્ટ્ર-ગુજરાતના ધુરંધર-સન્માનનીય કિશાન અગ્રણી શ્રી ચંદુભાઇ ફળદુને તાજેતરમાં મંતવ્ય ટીવી ચેનલ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી મંડળના સભ્યો, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને સહુના લાડીલા એવા ચંદુકાકાને તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતાં.

અમદાવાદ ખાતે ધ ગ્રાન્ડ ભગવતી ખાતે ગુજરાત ગૌરવ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ,  શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજય ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, ખાસ ઉપસ્થિત રહેલ.

શ્રી ચંદુભાઇ ફળદુની દાયકાઓની સફળ રાજકીય સફરના હજારો-લાખો સાક્ષીઓ છે. પ દાયકાથી તેઓ ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા સીધી યા પરોક્ષ રીતે નિભાવતા રહ્યા છે.

સ્વ. ચીમનભાઇ પટેલથી લઇને મુ. મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સુધીના મહાનુભાવો સાથેનો તેમનો આત્મીય - પારિવારિક નાતો રહ્યો છે.

શ્રી ચંદુભાઇનો તકિયા કલામ 'રામ રામ' ગુજરાતભરમાં સુપ્રસિધ્ધ છે. એક અનોખું મર્દાનગી  ભર્યું નિડર વ્યકિતત્વ એટલે શ્રી ચંદુભાઇ ફળદુ,

શ્રી ચંદુભાઇ ફળદુને મંતવ્ય ન્યૂઝ તરફથી લાઇફ ટાઇમ એવોર્ડથી નવાજવામાં આવ્યા તે પ્રસંગે શ્રીમતી અંજલીબેન રૂપાણી, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ, જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસ, સુપ્રસિધ્ધ ગુજરાતી ફિલ્મ સ્ટાર શ્રી નરેશ કનોડિયા, લોકલાડીલા ગાયિકા  ઐશ્વર્યા મજુમદાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ખાવડી ખાતે સુકાન સંભાળી રહેલ યુવા ઉદ્યોગપતિ ધનરાજ પરિમલભાઇ નથવાણી, ગુજરાતી લોકસંગીતને ચાર ચાંદ લગાડનાર સુપ્રસિધ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીને પણ આ પ્રસંગે ગૌરવશાળી ગુજરાત એવોર્ડ અપાયા હતાં.

સૌરાષ્ટ્રના આ ધરખમ ગજાના ખેડૂત નેતાએ ઉદ્યોગ ક્ષેત્રે અને બોલીવુડ ક્ષેત્રે પણ ખૂબ મોટું માન સન્માન મેળવ્યું છે. શ્રી ચંદુભાઇ ફળદુના નેજા હેઠળ બોલીવુડના સંખ્યાબંધ ફિલ્મો બન્યા છે. ૭૮ વર્ષની ઉમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તિ ધરાવતા શ્રી ચંદુભાઇની રાજકીય કારકિર્દીનો સૂર્ય સ્વ. ચીમનભાઇ પટેલના મુખ્યમંત્રી કાળ દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠેલ.  હાલમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે એવો જ આત્મીય નાતો આજે પણ ચંદુભાઇનો રહ્યો છે.

શ્રી ચંદુભાઇએ સૌરાષ્ટ્રના જામજોધપુર પંથકના નાનકડા ગામથી પોતાની કારકિર્દી શરૂ કરી અને રાજકારણ - ઉદ્યોગ અને બોલીવુડ ક્ષેત્રે સર્વોચ્ચ શીખર હાંસલ કરી એક નવી કેડી કંડારી છે.

આજે જીવનના ૮-૮ દાયકાની સફર કાપી ચૂકેલા શ્રી ચંદુભાઇ ફળદુને મળવું અને તેમની સદા તરોતાની તાજગી અને સ્ફુર્તી, આનંદને માણવા એ અનેરો લ્હાવો છે. અકિલા પરિવારના પરમ મિત્રને અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી રાજેશભાઇ ગણાત્રા, શ્રી નિમીષ ગણાત્રા સહિત સમગ્ર અકિલા પરિવારે આ પ્રસંગે હૃદયથી અભિનંદન પાઠવ્યા છે. શ્રી ચંદુભાઇ પટેલ (ફળદુ) ઉપર (મો. ૦૯૮ર૦ર ૪૯૪૩૮) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:06 pm IST)