Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમદાવાદમાં મોડી સાંજથી વરસાદ : વાતાવરણમાં ઠંડક

વિજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં ભારે વર્ષા : છેલ્લા કેટલાક દિવસથી જોરદરા બફારા વચ્ચે વરસાદના લીધે લોકોને રાહત : ઘણા લોકોએ પલળવાની મજા માણી

અમદાવાદ, તા.૨૧ : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી જોરદાર બફારો રહ્યા બાદ આજે મોડી સાંજે વરસાદની શરૂઆત થઇ હતી. અમદાવાદના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા, ડ્રાઇવ ઇન, થલતેજ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. પવન અને વિજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેથી મોડી સાંજે નોકરી પરથી ઘરે જતા લોકો જુદી જુદી જગ્યાઓએ અટવાયા હતા. નોકરી પરથી છુટવાના સમયે વરસાદ શરૂ થયો હતો. બીજી બાજુ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં પણ વરસાદ થયો હતો. અમદાવાદ શહેરના શાહપુર, દિલ્હીદરવાજા, શાહીબાગ જેવા વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. હાલમાં બફારાની સ્થિતિ જોવા મળી રહી હતી. બફારાને લઇને લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને ઉત્સુકતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. મોડી સાંજે વરસાદના કારણે લોકોને રાહત થઇ હતી અને ઘણા લોકોએ તો ઘરમાં વરસાદમાં પલળવાની મજા માણી હતી. કેટલાક લોકો પલળવા માટે બહાર નિકળ્યા હતા. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯.૫ ડિગ્રી રહ્યું હતું. આવતીકાલે પણ તાપમાનમાં કોઇ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.   વરસાદના કારણે વાતાવરણમાં સહેજ ઠંડક પ્રસરી હતી અને કંઇક અંશે નગરજનોને રાહત થઇ હતી. છેલ્લા કેટલાય દિવસો બાદ આજે અમદાવાદ શહેરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં સાંજે ઝરમર-ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો. આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને હળવા વરસાદની શરૂઆત પણ થઇ હતી પરંતુ ફરીવાર બ્રેકની સ્થિતિ રહેતા બફારો વધી ગયો હતો. જો કે, મોડી સાંજે સારો વરસાદ શરૂ થયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના એસજી હાઇવે, ઘાટલોડિયા, નવા વાડજ, પાલડી, કૃષ્ણનગર, મેમનગર, નવરંપુરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા હતા. ઘણા લાંબા સમય બાદ આખરે અમદાવાદ શહેરમાં ગઇકાલે પણ મેઘરાજાએ પધરામણી કરતાં શહેરીજનો થોડા ખુશ થઇ ગયા હતા પરંતુ તેમની આ ખુશી બહુ વધુ સમય માટે રહી ન હતી કારણ કે, મેઘરાજા અમદાવાદમાં જોઇએ એ પ્રકારે મન મૂકીને વરસ્યા ન હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં આજે ઝરમર-ઝરમર અને હળવા વરસાદી ઝાપટાં નોંધાયા હતા તો વળી કયાંક છૂટાછવાયા કિસ્સામાં ભારે વરસાદી ઝાપટુ નોંધાયું હતું. 

(8:42 pm IST)