Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સરકારી શાળામાં ૮ લાખ બાળક ભણવામાં કમજોર

નબળા વિદ્યાર્થીઓ માટે મિશન વિદ્યા વર્ગો શરૃઃ પ્રક્રિયા ઉપર જીસીઇઆરટી, સર્વ શિક્ષા અભિયાન દ્વારા અસરકારક મોનિટરીંગ રખાશે : વિદ્યાર્થીઓને લાભ થશે

અમદાવાદ, તા.૨૩: ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૨૧,૬૮,૨૧૪ વિદ્યાર્થીઓમાંથી કુલ ૭,૯૩,૯૫૭ એટલે કે,૩૬.૬૨ ટકા વિદ્યાર્થીઓ નબળાં છે. તેમાં ૧૦ ટકા એટલે કે, ૨,૧૪,૧૬૧ વિદ્યાર્થીઓ વાંચન, ૧૩ ટકા એટલે કે,૨,૮૭,૧૯૨ વિદ્યાર્થીઓ લેખન તેમજ સૌથી વધુ ૧૪ ટકા એટલે કે, ૨,૯૬,૪૦૪ વિદ્યાર્થીઓ ગણિતમાં નબળાં હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો-વિદ્યાર્થીઓના નબળા દેખાવને લઇ રાજય સરકારે પણ ગંભીર ચિંતા વ્યકત કરી છે અને નબળા વિદ્યાર્થીઓ માટે મીશન વિદ્યા નામના ખાસ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે કે જેથી આવા વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઉંચું આવી શકે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ ધ્વારા ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ ૬થી ૮માં અભ્યાસ કરતાં નબળાં વિદ્યાર્થીઓ માટે મિશન વિદ્યાના નામે આજથી સ્પેશ્યલ કલાસ શરૂ કરવામાં આવ્યા છે. નબળાં વિદ્યાર્થીઓને પ્રિય  ગણાવી અપાનારૂ આ શૈક્ષણિક કાર્ય તા.૨૩ જુલાઇથી આગામી તા.૩૧ ઓગસ્ટ સુધી એટલે કે સવા મહિના સુધી ચાલશે. જેમાં શાળા શરૂ થયાંના એક કલાક પહેલાં અને શાળાના સમય દરમિયાન બે કલાક આવા પ્રિય બાળકોને શિક્ષકો દ્વારા ખાસ જ્ઞાન પીરસવામાં આવશે. આ નબળાં વિદ્યાર્થીઓ પર ખાસ ધ્યાન આપવામાં શાળા તરફથી દાખવવામાં આવેલી નિષ્કાળજીના પગલે સરકારે ગંભીરતા દાખવીને સ્પેશ્યલ કલાસનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ સમગ્ર પ્રક્રિયા પર જીસીઇઆરટી ( ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ ) તથા એસએસએ ( સર્વ શિક્ષા અભિયાન) દ્વારા દેખરેખ રખાશે. આ મિશન વિદ્યામાં સૌથી વધારે અમદાવાદ જીલ્લામાં કુલ ૧,૩૦,૮૪૬ વિદ્યાર્થીઓમાંથી ૧૧,૧૭૦ વાંચન, ૧૫૩૨૮ લેખન તેમજ ૧૧,૬૦૬ ગણિતમાં નબળા છે. વડોદરા જીલ્લામાં ૭૧,૮૫૮ વિદ્યાર્થીઓમાંથી ૧૦,૨૬૮ વાંચન, ૧૩,૪૫૧ લેખન તેમજ ૧૨,૦૮૭ ગણિતમાં નબળા છે. જયારે સુરત જીલ્લામાં ૧,૧૧,૨૪૬ વિદ્યાર્થીઓમાંથી ૯૨૦૮ વાંચન, ૧૩૦૨૨ લેખન તેમજ ૧૩૭૫૬ ગણિતમાં નબળા છે. મુખ્યમંત્રીના રાજકોટ જીલ્લામાં ૬૪,૮૫૨ વિદ્યાર્થીઓમાંથી ૭૮૬૮ વાંચન, ૧૦૩૯૦ લેખન તેમજ ૧૦૮૨૧ ગણિતમાં નબળા છે. જયારે રાજ્યના પાટનગર ગાંધીનગર જીલ્લામાં ૫૨,૮૬૫ વિદ્યાર્થીઓમાંથી ૬૮૮૬ વાંચન, ૯૫૯૩ લેખન તેમજ ૧૧,૩૩૧ ગણિતમાં નબળા છે. આ ઉપરાંત ભાવનગર જીલ્લામાં ૯૯૬૪૧ વિદ્યાર્થીઓમાંથી ૧૦૮૭૯ વાંચન, ૧૪૦૮૯ લેખન તેમજ રાજ્યમાં સૌથી વધારે ૧૫,૪૨૭ ગણિતમાં નબળા છે.

(10:31 pm IST)