Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જમીનના પડતર કેસોનો હવે ઝડપી નિકાલ લાવવા તૈયારી

એસએમએસ દ્વારા પક્ષકારોને સીધેસીધી મુદ્દતઃ કેસોનો વધારે ભરાવો હોય તેવા જિલ્લાઓમાં કેમ્પ યોજીને નિકાલનું આયોજન થયું : જીઆરટીના કાર્યક્ષેત્રમાં વધારો

અમદાવાદ,તા.૨૩: જમીનની કિંમતમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં અસાધારણ રીતે તીવ્ર ઉછાળો આવેલ છે. જેના કારણે દિનપ્રતિદિન જમીન મહેસૂલને લગતા કેસોનું પ્રમાણ પણ વધતું ગયું છે. જેમાં, ખાનગી પક્ષકારો વચ્ચેના તથા ખાનગી પક્ષકાર અને સરકારશ્રી સામેના કેસોની અપીલો જીઆરટી અને એસએસઆરડી સમક્ષ કરવાની થતી હોય છે. જેની સમીક્ષા મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલના અધ્યક્ષે યોજાઇ હતી. આ બેઠકમાં ખાસ સચિવ (વિવાદ)ની કોર્ટમાં કેસોનો ભરાવો ન થાય કે લાબાં સમય સુધી પડતર ન રહે તે માટે નામદાર હાઈકોર્ટમાં જે રીતે કેસો દાખલ કરવામાં આવે છે તેવી જ રીતે તે સમયે જ કેસના ગુણદોષ ચકાસીને જ કેસ દાખલ કરવાનો રહેશે તેમજ કેસો નીચલી કોર્ટમાં રીમાન્ડ ન કરતા આખરી ચુકાદો આવે તે રીતે હુકમ કરવા અંગે જીઆરટી અને એસએસઆરડીમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી. વધુમાં, કેસોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે એસએસઆરડી દ્વારા જિલ્લાઓમાં કેમ્પોનું વધુ ને વધુ આયોજન કરવા અંગેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે તેમ મંત્રીએ ઉમેર્યું છે. મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે નયા ભારત અને ડિઝીટલ ઈન્ડિયાને એક મિશન તરીકે આગળ વધારી રહ્યાં છે ત્યારે ગુજરાત રાજ્યના નાગરિકોને ઝડપી, પારદર્શી અને ઓન લાઈન સેવાઓનો લાભ મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણી સતત ભાર મુકે છે. જેના પરીણામરૂપે એસએસઆરડી દ્વારા પક્ષકારોને તેમના કેસની માહિતી એસએમએસ દ્વારા ઓનલાઈન કોમ્પ્યુટર કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા પુરી પાડવામાં આવે છે તથા હુકમોની નોંધ ઈ-ધરા મારફતે પાડવામાં આવે છે અને હુકમો પણ એસએસઆરડીની વેબ સાઈટ પર ઓન લાઈન મુકવામાં આવે છે તેવી જ કાર્યપદ્ધતિ  જીઆરટીમાં અમલમાં લાવવા ભારપૂર્વક જણાવ્યું હતું. પડતર અપીલોનો ઝડપથી નિકાલ થઈ શકે તે માટે  જીઆરટીમાં પૂર્ણ સમયની કોર્ટો ચાલુ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી તેમજ  જીઆરટીની સત્તાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

(10:27 pm IST)