Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અમદાવાદ : ૨૦૧૯થી ૨૫૦ એસી બસ માર્ગો ઉપર દેખાશે

૫૦ એસી ઇલેકટ્રીક બસ પણ માર્ગો પર દોડશે : તમામ બસો ખાનગી ઓપરેટરોની હશે અને તેમાં ખોટ જશે તો તે સરકાર ભોગવશે : એએમટીએસની હિલચાલ

અમદાવાદ, તા.૨૩ : બીઆરટીએસમાં મુસાફરી કરતા મુસાફરોની જેમ આગામી ફેબ્રુઆરી, ૨૦૧૯થી એએમટીએસના ઉતારૂઓ પણ એસી બસમાં મુસાફરી કરતા થઇ જશે. એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા નવી ૨૦૦ મિડી એસી સીએનજી બસ અને ૫૦ મિડી એસી ઇલેક્ટ્રિક બસને રોડ પર મૂકવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. અલબત્ત, આ તમામ બસો ખાનગી ઓપરેટરોની હશે અને જો તેમાં ખોટ જશે તો તે રાજય સરકાર ભોગવશે. શહેરમાં એએમટીએસના આ નવતર આયોજન અંગે એએમટીએસના નવનિયુક્ત ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન સ્વર્ણિમ શહેરી વિકાસ યોજનાના ભાગરૃપે તેમજ ટ્રાફિક ગીચતામાં ઘટાડો કરવા અને વાયુ પ્રદૂષણમાં વધારો થતો રોકવાના આશયથી ઉતારૂઓ માટે કુલ ૨૫૦ એસી સીએનજી અને ઇલેક્ટ્રિક બસ દોડતી કરવાની કવાયત હાથ ધરાઇ છે. આ તમામ બસ ખાનગી ઓપરેટરની હશે. ઉપરાંત ડ્રાઇવર તેમજ કંડક્ટર પણ ખાનગી ઓપરેટરના રહેશે. સંસ્થા દ્વારા નવી એસી બસના મામલે મુખ્યપ્રધાન પરિવહન સેવા યોજના ઉપયોગમાં મુકાશે. જે તે બસની ખોટની ભરપાઇ રાજ્ય સરકાર દ્વારા કરાશે. તેમણે આ અંગે ઉદાહરણ આપતાં જણાવ્યું કે, ધારો કે એક બસનો વાર્ષિક વકરો રૃ. પાંચ લાખનો થયો અને તેના ઓપરેટરને સંસ્થાએ રૃ. સાત લાખ ચૂકવ્યા તો ખોટના રૃ. બે લાખ સંસ્થાને રાજ્ય સરકાર ચૂકવશે. એએમટીએસ દ્વારા આ બસ આશ્રમરોડ, વૈષ્ણોદેવી, ઉજાલા, ઓઢવ, સુભાષબ્રિજ સર્કલ, વાસણા, સરખેજ, ચાંદખેડા વગેરે વિસ્તારમાં દોડતી કરાશે. દેશના બેંગલુરૂ જેવાં શહેરમાં ઇલેક્ટ્રિક બસ સફળતાથી ચાલે છે, જોકે ગુજરાતભરમાં અમદાવાદમાં પ્રથમ વાર ઉતારૂઓ માટે ઇલેક્ટ્રિક બસનો પ્રયોગ હાથ ધરાશે. હાલમાં પ્રાયોગિક ધોરણે ૫૦ બસ રોડ પર મુકાશે. ત્યારબાદ તેમાં સફળતા મળતાં વધુ ઇલેક્ટ્રિક બસ શહેરના રસ્તા પર ફરતી કરાશે. ઉતારૂઓને સામાન્ય બસના રૃ.ત્રણનાં લઘુતમ ભાડા કરતાં વીસ ટકા વધુ ભાડું એસી બસ માટે ચૂકવવું પડશે. અત્રે ઉલ્લેખનીયછે કે એએમટીએસ બસ સર્વિસનો દરરોજ ૫.૫૦ લાખ ઉતારૂ લાભ ઉઠાવતા હોઇ તેનાથી સંસ્થાને રોજની રૃ. ૨૮ લાખની આવક થાય છે, પરંતુ આવક સામેસંસ્થાને રોજ એક કરોડની ખોટ થાય છે. બીજી તરફ શાસકોએ ખોટ ઘટાડવા ખાનગીકરણની રાહ અપનાવી હોવાથી નિખાલસ એકરાર કરી રહ્યા હોઇ આજે સંસ્થાની માલિકીની માત્ર ૧૩૫ બસ હોઇ તેની સામે ખાનગી ઓપરેટરોની ૬૧૦ બસ છે. બીજીબાજુ, એએમટીએસને ખોટના ખપ્પરમાંથી બહાર કાઢવાના તંત્ર દ્વારા અનેકવિધપ્રયાસો થઇ રહ્યા છે પરંતુ હજુ તેમાં અસરકારક સફળતા મળી નથી.

(8:11 pm IST)