Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વ્હોટ્સએપ ઉપર યુવતીને અભદ્ર મેસેજ મોકલનાર યુવકને કોર્ટે પાઠ ભણાવ્યો :સ્માર્ટફોન નહિ વાપરવાની શરતે જમીન

આરોપી ફોન નથી વાપરતો તે સુનિશ્ચિત કરવાની જવાબદારી કોર્ટે તેની જ પત્નીને સોંપી

અમદાવાદ: અમદાવાદની યુવતીને વ્હોટ્સએપ પર અભદ્ર મેસેજ મોકલતા વિસનગરના યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ પરિણિત યુવક સામે પોલીસે કડક હાથે કામ લેતા તેની સામે સાત વર્ષની સજા થઈ શકે તેવી કલમો લગાવી હતી, જેથી તેને જામીન લેવા માટે પણ કોર્ટમાં જવું પડ્યું હતું.કોર્ટે પણ આ ઘટનાની ગંભીર નોંધ લેતા આરોપીને જામીન તો આપ્યા, પણ એવી શરત મૂકી કે આરોપી ફરી આવી ભૂલ કરવાની હિંમત ન કરે. કોર્ટે આરોપીને એ શરતે જામીન આપ્યા કે તેની સામે ચાર્જશીટ ફાઈલ ન થાય ત્યાં સુધી તે સ્માર્ટફોન નહીં વાપરી શકે. આરોપી ફોન નથી વાપરતો તે સુનિશ્ચિત કરવાની જવાબદારી કોર્ટે તેની જ પત્નીને સોંપી છે, અને આ બાબતે તેની પાસેથી લેખિત ખાતરી પણ લીધી છે.

  આ અંગે મળતી વિગત મુજબ વિસનગરમાં રહેતો એક યુવક અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી યુવતીને ફોન પર આઈ લવ યુ, આઈ લાઈક યુ, મિસ યુ જેવા મેસેજ મોકલતો હતો. યુવતીએ શરુઆતમાં આ મેસેજને ગંભીરતાથી ન લીધા, તો યુવકે તેને અશ્લીલ મેસેજ મોકલવાનું શરુ કર્યું, આખરે કંટાળેલી યુવતીએ આ અંગે મેઘાણીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી.પોલીસે આરોપીને ઝડપી લેવા માટે એક જાળ બિછાવી, જેમાં યુવતીના જ નંબર પરથી મેસેજ કરીને તેને ગાંધીનગર મળવા માટે બોલાવવામાં આવ્યો. આરોપી ગાડી લઈને ગાંધીનગર આવ્યો તો ખરો, પરંતુ તેને અંદેશો આવી ગયો કે યુવતી સાથે અહીં પોલીસ પણ આવી ચૂકી છે, અને તે ગાડી લઈને નાસી ગયો.

   જોકે, પોલીસે તેની ગાડીનો નંબર નોંધી લીધો, તેના આધારે ગણતરીના સમયમાં જ તેના વિસનગર સ્થિત ઘર સુધી પોલીસ પહોંચી ગઈ, અને તેને ઝડપી લીધો. આરોપીને બરાબરનો પાઠ ભણાવવા માટે પોલીસે તેની સામે સાત વર્ષ સુધીની જેલ થઈ શકે તેવી કલમો લગાડી, જેના કારણે તેના પોલીસ સ્ટેશનમાંથી જામીન પણ ન થઈ શક્યા.

આખરે આરોપીને જામીન લેવા માટે કોર્ટમાં જવું પડ્યું. કોર્ટે તેને જામીન તો આપી દીધા, પરંતુ સાથે એવી શરત મૂકી કે જ્યાં સુધી ચાર્જશીટ ફાઈલ ન થઈ જાય ત્યાં સુધી આરોપી પોતાની પાસે સ્માર્ટફોન રાખી નહીં શકે. આરોપી પર નજર રાખવાની જવાબદારી પણ કોર્ટે તેની જ પત્નીને સોંપી છે.

(7:04 pm IST)