Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન માનસી વખારિયાનું મોતઃ ફ્લુમિનન્ટ જી.બી.અેસ. બિમારીથી પીડાતી હતી

અમદાવાદઃ ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન માનસી વખારિયાનું મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. તેમણે રમત-ગમત ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.

માનસી વખારિયા અચાનક જ ગંભીર બીમારીમાં સપડાઇ હતી. તે અઠવાડિયાથી હોસ્પિટલમાં મોતની સામે ઝઝૂમી રહી હતી પરંતુ 18 વર્ષીય માનસી જિંદગીની મૅચ હારી ગઇ હતી. માનસીની અમદાવાદની ડો. જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં રવિવારે બપોર 2.40 કલાકે તેનું નિધન થયું હતું. માનસીને' ભાગ્યે જ જોવા મળતી ફ્લુમિનન્ટ જી.બી.એસ. બીમારી થઇ હતી. માનસીનાં મોતથી ગુજરાતની મહિલા ફૂટબૉલ ટીમને મોટી ખોટ વર્તાઇ છે.

માનસીના પિતા કલ્પેશ વખારિયાના જણાવ્યા પ્રમાણે 18 વર્ષી માનસી શહેરની એચએલ કોમર્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. સપ્તાહ પહેલા શુક્રવારે રાત્રે અચાનક માનસી કોમામાં સરી પડી હતી. જે ક્યારે પાછી ન આવી. રવિવારે તેનું બ્લડ પ્રેશર અચાનક જ ઘટી ગયું હતું અને તેનું મોત થયું હતું.

જેજી ઇન્ટરનેશના કોચ કુલદીપ ગાંધીના જણાવ્યા પ્રમાણે માનસીએ રાજ્યની દરેક પ્રકારની ગેમમાં પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે નેશનલ ચેમ્પિયનશિપમાં સ્ટેટ સ્ક્વોર્ડની દરેક કેટેગરીને લીડ કરી હતી. માનસી પાસે અભૂતપૂર્વ પ્રતિભા અને સેન્સ હતું.

ઉલ્લેખનીય છે કે, માનસીએ વર્ષ 2015માં ભારતની અંડર-16 ફૂટબૉલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતની ફૂટબૉલ ટીમની કૅપ્ટન તરીકેની જવાબદારી સંભાળનારી' માનસી કુલ 11 નેશનલ રમી હતી. માનસી અમદાવાદની એચએલ કૉલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેને શરૂઆતમાં પગનો દુખાવો થયો હતો અને ત્યારબાદ અચાનક તેની હાલત ગંભીર બની ગઇ હતી.' અમદાવાદના ડૉ. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશનમાં માનસી સારવાર હેઠળ હતી, જ્યાં તેનું દુ:ખદ નિધન થયું છે.

માનસીના કિસ્સો મેડિકલ જગત માટે પડકારરૂપ છે. તેને ફ્લુમિનન્ટ ગિલેન બારે સિન્ડ્રોમએટલો ઝડપી વધથી વધી ગયો કે જેનાથી ખુદ તબીબો આશ્ચર્યમાં પડી ગયા છે. સામાન્ય રીતે આ રોગમાં ધીરે ધીરે આગળ વધે છે અને નસોને અને સ્નાયુઓને ગંભીર નુકશાન પહોંચાડે છે. માનસી જેવી આશાસ્પદ ફૂટબોલ ખેલાડી અચાનક જ ગંભીર બીમારીમાં પટકાતા બાદ મોતને ભેટતા ગુજરાતના ફૂટબોલ જગત અને તેના પરિવારજનો અને મિત્રોમાં શોકની લાગણી ફેલાઇ છે.

(6:08 pm IST)