Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્‍યક્ષ જયંતિ ભાનુશાલી સામે દુષ્‍કર્મના કેસમાં ગાળિયો વધુ મજબુતઃ સુરત પોલીસ સમક્ષ હાજર થવા સમન્‍સઃ ઉમેદ હોટલનો અંગત પળોનો કથિત વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

સુરતઃ કચ્છ ભાજપ અગ્રણી અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાલી સામે દુષ્‍કર્મની ફરિયાદ બાદ સુરત પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં હાજર થવા સમન્‍સ પાઠવવામાં આવ્યું છે.

સુરતની યુવતીએ બળાત્કારની ફરિયાદ કર્યા બાદ પોલીસે જયંતિ ભાનુશલી સામે તપાસ શરૂ કરી છે. યુવતીએ ફરિયાદમાં અમદાવાદની ઉમેદ હોટલમાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જે અનુસંધાને સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદ આવવા રવાના થઈ છે. પોલીસ પીડિતાને સાથે રાખીને ઉમેદ હોટલ ખાતે તપાસ કરશે.

આ દરમિયાન ઉમેદ હોટલનો જયંતિ ભાનુશાલીનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જયંતિ ભાનુશાલી યુવતી સાથે અંગતપળો મનાવી રહ્યા છે. આ દરમિયા તેણે વીડિયો ક્લિપ બનાવી હતી. હાલ આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જોકે, આ વીડિયો ઉમેદ હોટલનો જ છે તેની કોઈ પુષ્ટી ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું.

સુરતની યુવતી પર જયંતિ ભાનુશાલીના બળાત્કારની તપાસ ડો. લીના પાટીલ કરી રહ્યા છે. આ કેસમાં ઉમેદ હોટલમાં તપાસ બાદ પંચનામું કરવામાં આવશે.

જયંતિ ભાનુશાલી કથિત બળાત્કાર કેસમાં અનેક વળાંક આવ્યા છે. પહેલા સુરતની યુવતીએ આ અંગેની અરજી પોલીસ કમિશ્નરને કરી હતી. જેમાં તેના પર અવારનવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની વાત કહેવામાં આવી હતી. આ અંગેના અહેવાલ મીડિયામાં સામે આવ્યા બાદ બીજા દિવસે યુવતીએ પોતે આ અરજી રદ કરી નાખી હોવાની વાત કહી હતી. યુવતીને કહેવા પ્રમાણે તેણે પહેલા જ પોલીસમાં એવી અરજી આપી દીધી છે કે તેના નામથી બળાત્કારની એક અરજી ફાઈલ થશે. બાદમાં આ કેસમાં યુવતીની પૂછપરછ બાદ પોલીસે જયંતિ ભાનુશાલી સામે ફરિયાદ દાખલ કરી હતી.

સુરતના કથિત બળાત્કાર કેસમાં હવે પીડિતાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં યુવતી ન્યાય માટે મદદ માંગી રહી છે.

"મેં જયંતિ ભાનુશાલી સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. આ અરજી દબાવવા માટે મારા ઘરે ગુંડા તત્વોને મોકલવામાં આવી રહ્યા છે. જેના કારણે મારા માતાપિતા ડિપ્રેશનમાં છે. મને મારી નાખવાની ધમકી આપી છે. હું હાલમાં સલામત સ્થળે છું. જ્યારે મને માલુમ પડશે કે મારી અરજીની નોંધ લેવાઈ ગઈ છે ત્યારે હું પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જઈશ. મારી બસ એટલી જ વિનંતી છે ક મને ન્યાય અને ન્યાય જ મળે."

(6:05 pm IST)