Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વડોદરામાં અગમ્ય કારણોસર યુવકે ઝેર ગટગટાવ્યું

વડોદરા:શહેરમાં વધુ બે યુવકોએ આપઘાત કરીને જીવાદોરી ટૂંકાવી લીધી છે. કાછિયાવાડના ૩૭ વર્ષના અને મુંજમહૂડાના ૩૮ વર્ષના યુવકોએ આપઘાત કરી લીધો છે બન્ને અપરિણીત હતા. કાછિયાવાડના યુવકે દેવું વધી જતા આપઘાત કર્યો હોવાનું જાણવા મળે છે જ્યારે મુંજમહૂડાના યુવકના આપઘાતનું કારણ જાણી શકાયુ નથી. લાલકોર્ટ સામે જુની કાછિયાવાડમાં કોઠી ફળિયામાં રહેતો ગૌતમ શ્યામસુંદરલાલ પટેલ (ઉ.૩૭) શાકભાજીની લારી ચલાવતો હતો. કાલે બપોરે ૨ વાગ્યાના અરસામાં શિયાબાગ ચાર રસ્તા પાસે તેણે ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ દરમિયાન આસપાસના લોકોને જાણ થતાં તેને તુરંત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત થયું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ જાણવા મળ્યુ છે કે ગૌતમ આર્થિક તંગી અનુભવતો હતો અને દેવું વધી જતાં તેણે આ પગલું ભર્યું હતું. બીજા બનાવમાં મંજમહૂડા વિસ્તારમાં માતા સાથે રહેતો ૩૮ વર્ષનો લેન્સી રોબર્ટ મેનેજર ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગત તા.૧૮ જુલાઇએ તેની માતા મુંબઇ ગયા હતા અને ઘરમાં તે એકલો હતો ત્યારે સાંજે કોઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ અંગેની જાણ તેમના સંબંધીઓને થતાં તેઓ દોડી આવ્યા હતા અને લેન્સીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું આજે મોત થયું હતું.
 

(4:41 pm IST)