Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

આણંદ એસઓજીએ રેલવે નજીકથી પિસ્તોલ રિવોલ્વર સાથે બે શખ્સોની અટકાયત કરી

આણંદ:એસઓજી પોલીસે આજે બપોરના સુમારે આણંદના રેલવે સ્ટેશન સામે આવેલી એક હોટલ પાસે વોચ ગોઠવીને બે શખ્સોને દેશી બનાવટની પીસ્ટલ, રીવોલ્વર તથા ચાર જીવતા કારતુસો સાથે ઝડપી પાડીને આણંદ શહેર પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવીને વધુ તપાસ અર્થે બન્નેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન કેટલીક ચોંકાવનારી વિગતો ખુલવા પામે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લામાં પરપ્રાંતીયો દ્વારા ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા હોય તેમજ કેટલાક માથાભારે શખ્સો દ્વારા આવા હથિયારો ખરીદીને પોતાની ધાક જમાવવા માટે ફરી રહ્યા છે તેવી એક માહિતી આણંદ એસઓજીના પીઆઈ વી. કે .ગઢવીને મળી હતી જેના આધારે પીએસઆઈ આર. વી. વીંછી તથા સ્ટાફના જવાનો સાથે ગુપ્ત રાહે તપાસ હાથ ઘરી હતી જેમાં એવી હકિકત મળી હતી કે, આજે બપોરના સુમારે આણંદના રેલવે સ્ટેશન પાસે કેટલાક માથાભારે શખ્સો એકત્ર થનાર છે જેના આધારે પોલીસે ગુપ્ત રીતે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન સરીતા રેસ્ટોરન્ટ પાસે એક લાલ કલરની બ્રેજા કાર નંબર જીજે-૦૬, એલબી-૪૦૨૦ની આવી ચઢી હતી. જેથી પોલીસે વડોદરા પાર્સિંગની કાર હોય શંકાને આધારે તપાસ કરતાં અંદરથી આણંદના વિદેશી દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હીસ્ટ્રીશીટર અશોક ઉર્ફે કાબરો ભરતભાઈ ગુપ્તા તથા નાપાવાંટાનો તનવીર ઉર્ફે સમીર મહેમુદખાન પઠાણ મળી આવ્યાહતા. જેમની અંગજડતી લેતા સમીર પાસેથી એક દેશી બનાવટની રીવોલ્વર તથા બે જીવતા કારતુસો તેમજ અશોક ઉર્ફે કાબરા પાસેથી દેશી બનાવટની પીસ્ટલ તથા બે જીવતા કારતુસો મળી આવ્યા હતા. 

(4:37 pm IST)