Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી તેમજ તેના લાલજી મૃગેન્દ્રપ્રસાદજી વડતાલ ગઢડા, જુનાગઢ મંદિરના પરિસરમાં પ્રવેશી શકશે નહિઃ નડિયાદ કોર્ટ

વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનો ઐતિહાસિક- શકવર્તી વિજય થતાં સંતો હરિભકતો દ્વારા અભિનંદનની વર્ષાઃ શુક્રવારે વડતાલ મંદિર પરિસરમાં ગુરૂપૂર્ણિમાં મહોત્સવ ઉજવાશે

રાજકોટ,તા.૨૩ : ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના હસ્તે વડતાલમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા  લક્ષ્મીનારાયણ દેવ પધરાવેલ છે. સ્વામિનારાયણ  સંપ્રદાયના આ શિરમોડ તીર્થ સ્થાન મંદિરના આચાર્ય પદ માટે છેલ્લા ૧૬ વર્ષ થયા વિવાદ ચાલતો હતો. તેમાં વર્તમાન આચાર્ય શ્રી રાકેશપ્રસાદજીઆચાર્ય મહારાજનો વિજચ થતા, તેમને આચાર્ય તરીકે યથાવત રાખેલ છે.

પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી કોઇ મુમુક્ષુને દિક્ષા આપતા ન હતા, કોઇ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા જતા ન હતા, સંપ્રદાયના નિયમ પ્રમાણે ચરણ-ભેટ મંદિરમાં જમા કરાવતા નહોતા તેમજ ધર્મના આચાર્ય તરીકે કોઇ ફરજ બજાવતા ન હોવાથી, તા.૧૧-૫-૨૦૦૨ માં સાળંગપુર મુકામે સત્સંગ મહાસભાએ તેમને ગાદી ઉપરથી પદભ્રષ્ટ કરેલ. છતાં પણ તેઓ આચાર્ય તરીકે હોય તેમ કાર્ય કરતા હોવાથી ભાવનગર શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલના કેશવપ્રકાશદાસજી  સ્વામીએ  તેને અટકાવવા માટે નડિયાદ કોર્ટમાં દાવો દાખલ કરેલ. તેનો યુકાદો આપતા નડિયાદ કોર્ટે સાળંગપુર  સત્સંગ મહાસભાએ કરેલ ઠરાવ માન્ય રાખેલ છે.

નડિયાદ કોર્ટના જજે પોતાના ૭૦૫ પાનામાં ચુકાદો આપતા જણાવ્યું છે કે, પ્રતિવાદી પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી તથા લાલજી નૃગેન્દ્રપ્રસાદજી વડતાલ તાબા હેઠળ આવતા વડતાલ, ગઢડા, જૂનાગઢ પ્રદેશોના મંદિરોમાં કે હરિમંદિરોના પરિસરમાં ધૂનના બહાના હેઠળ પ્રવેશી શકશે નહી ને કોઇ કાર્યક્રમ આપી શકશે નહીં. તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇ આયોજન કરી શકશે નહીં. વળી પોતે અજેન્દ્રપ્રસાદજી આચાર્ય તરીકેની કોઇપણ ફરજ જેવી કે, મૂર્તિ પ્રતિષ્ઠા કરવી, દિક્ષા આપવી, ગુરૂ મંત્ર આપવો, વગેરે આચાર્ય તરીકેની કોઇ પણ ફરજ બજાવી શકશે નહીં. પોતે અત્યાર સુધીમાં ઘણી વાર કોર્ટનો અનાદર કરેલ છે. તેમજ કોર્ટ માટે અપમાન જનક શબ્દો વાપરેલ છે અને  ઘણા સમય સુધી ફરાર હતા તેથી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ - કોર્ટના અનાદર કરવા બદલ તેને રુ.૨૦૦૦ નો દંડ કરેલ છે. આ રીતે કોર્ટનો અનાદર કરનારની તમામ સંપત્તિ જપ્ત કરી તેને ત્રણ માસની જેલની સજાની જોગવાઇ હોય છે પણ અજેન્દ્રપ્રસાદની ઉમર ૬૯ વર્ષની હોવાથી, વળી તેઓ પૂર્વે ધર્માચાર્ય તરીકે રહેલ હોવાથી, માત્ર ૭ દિવસની સિવિલ કેદની સજા ફરમાવાય છે. કોર્ટના આ દાવામાં પ્રતિવાદીએ (અજેન્દ્રપ્રસાદજીએ) તમામ દાવાની રકમ વાદીને ચુકવવાની રહેશે.  હરિભકતો  ખોટા ભ્રમમાં ન રહે તે માટે આ  સ્પષ્ટતા કરવામાં આવી હોવાનું કોઠારી વડતાલ સંસ્થાનની યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં વડતાલ સંસ્થાન પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનો ભવ્ય વિજય થતા, તેમને હાર પહેરાવી અભિનંદન આપતા વડતાલ મંદિર ચેરમેન દેવસ્વામી, શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સંતવલ્લભદાસજી સ્વામી, બાપુ સ્વામી વગેરે નજરે પડે છે.

(3:51 pm IST)