Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ટ્રાન્સપોર્ટરોની હડતાળથી શાકભાજીના ભાવ વધ્યા : ટામેટા ૪૦ના કિલો

હડતાલ લાંબી ચાલે તો અન્ય આવશ્યક ચીજોની પણ અછત સર્જાય તેવો ડર

અમદાવાદ તા. ૨૩ : ટ્રક ચાલકોની દેશવ્યાપી હડતાળનો આજે ચોથો દિવસ છે. ગુજરાતના ટ્રક ટ્રાન્સપોર્ટર્સ પણ આ હડતાળમાં જોડાયા છે, ત્યારે તેની અસર ગુજરાતના જનજીવન પર પડી રહી છે. ટ્રક ચાલકોની હડતાળને પગલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી બની છે. જેની સૌથી મોટી અસર શાકભાજીની ભાવ પર પડી છે.

ટ્રક ચાલકોની હડતાળને અન્ય રાજયોમાંથી શાકભાજીની આયાત ઘટી છે, જેને કારણે ભાવમાં વધારો થયો છે. અને જો આ હડતાલ લાંબી ચાલે તો અન્ય આવશ્યક ચીજોની પણ અછત સર્જાય તેવો ડર છે.

ટ્રાન્સપોર્ટર્સની હડતાળને કારણે શાકભાજીના ભાવમાં ૨૦ ટકાનો તોતિંગ વધારો થયો છે. હડતાળને લઇ વેપારીઓ સહિત પ્રજાના જનજીવનને પણ અસર થઈ છે. રાજયના બહારથી આવતા શાકભાજીના ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી છે. તો બીજી તરફ, વધુ વરસાદના કારણે લીલી શાકભાજીના પાકને પણ નુકસાન થયું છે. તો જોઈ લો શાકભાજીના ભાવ કેટલા વધ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રાન્સપોર્ટર્સની કુલ પાંચ પ્રકારની માંગણી કરતી આ હડતાલ છે. જેમાં ટ્રકના થર્ડ પાર્ટી પ્રીમિયમ પર લેવાતો ૧૮ ટકા જીએસટી કાઢી નાખવાની માંગ છે. તો બીજી તરફ, ડીઝલના રોજ બદલાતા ભાવને કારણે તેમને ટ્રીપમાં કોસ્ટિંગ કાઢવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ પણ તેઓએ કરે છે. તો તેઓએ ટોલ ફ્રી રોડ આપવાની પણ માંગ કરી છે. ગુજરાતના ૯ લાખ તથા દેશભરના ૭૫ લાખથી વધુ ટ્રાન્સપોર્ટર્સ આ હડતાળમાં જોડાયા છે. જો આ હડતાળ લાંબી ચાલશે, તો દૈનિક વપરાશની ચીજવસ્તુઓના ભાવ ઉપર જાય તેવી પૂરેપૂરી શકયતાઓ છે.(૨૧.૨૬)

શાકભાજીના ભાવ

ટામેટા – ૪૪ રૂપિયા કિલો

કોબી – ૧૨ થી ૧૫ રૂ. કિલો

મરચા – ૨૫ થી ૩૦

રીંગણાં – ૧૫ થી ૨૦

ફલાવર – ૧૮ થી ૨૦

ચોળી – ૩૫ થી ૪૦

ગુવાર – ૪૦ થી ૪૫

લીંબુ – ૨૦ થી ૨૫

વાલોળ – ૫૦ થી ૬૦

કાકડી – ૪૦થી ૪૫

વટાણા ૮૦ થી ૧૦૦

(3:48 pm IST)