Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

પ્રદેશ કોંગ્રેસને 'લોકસરકાર' રચવા માટે પરવાનગી

લોકસભા ૨૦૧૯ની ચૂંટણી માટે ભાજપને ભીડવવા હાઇકમાન્ડનો છૂટો દોર : છાયા સરકારનો કેટલો ગજ વાગે છે તેના તરફ સૌની મીટ : સંગઠનમાં પણ ફુંકાશે નવા પ્રાણ

અમદાવાદ તા. ૨૩ : લોકસભા ૨૦૧૯ની ચુંટણીમાં કોંગ્રેસની મજાક ઉડાવતા ભાજપને ભરી પીવા માટે કાર્યકારી સમિતિમાં કટીબધ્ધતા વ્યકત થઇ હતી. રાજ્ય પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાએ હાઇકમાન્ડ સાથે ગુજરાતમાં કોંગ્રેસને વધુ લડાયક બનાવવા માટે ચર્ચા કરી હતી અને કહેવાય છે કે ભાજપની રાજ્ય સરકારની સમાંતર કોંગ્રેસની લોકસરકાર રચવા માટે તથા સંગઠનમાં નવા પ્રાણફુંકવા મંજુરી મેળવી લેવાય છે. ત્યારે હવે આ છાયા સરકાર કેવી તાકાત બતાવે છે તે તરફ સૌની નજર છે. સંગઠનમાં પણ તૂર્તમાં નવા પ્રાણ ફુંકાશે તેમ જાણવા મળે છે.

ભાજપ સરકારની જેમ કોંગ્રેસનુંય અલાયદુ મંત્રીમંડળ હશે. યુકે, ઓસ્ટ્રેલિયાની જેમ ગુજરાતમાં પ્રથમવાર શેડો મિનિસ્ટ્રી રચવામાં આવનાર છે. ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યોને વિવિધ વિભાગોની પર નજર રાખવાની કામગીરી સોંપશે. ભાજપ સરકારની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચાડવા કોંગ્રેસે આ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. હાઇકમાન્ડે શેડો મિનિસ્ટ્રી રચવા લીલીઝંડી આપી દીધી છે.

થોડાક વખત અગાઉ યોજાયેલી તાલીમ શિબિરમાં કોંગ્રેસી ધારાસભ્યોને શેડો મિનિસ્ટ્રીમાં ભાગ લેવા અંગે જાણ કરાઇ હતી એટલું જ નહીં, રસ ધરાવતા ધારાસભ્યોની યાદી પણ બનાવાઇ હતી. જો કે, આખીય રાત અભિરાઇએ ચડાવી દેવાઇ હતી. હવે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વેબસાઇટના માધ્યમથી લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડી ઉકેલવા પ્રયાસો કર્યો છે જેને લોકસરકાર નામ આપવામાં આવ્યું છે. ટૂંક જ સમયમાં લોકસરકારનું ય સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવશે.

લોકસરકારને આખરી ઓપ અપાયા બાદ હવે શેડો મિનિસ્ટ્રી બનાવવા પણ વિચાર કરાયો છે. દિલ્હીમાં હાઇકમાન્ડે આ મુદ્દે લીલીઝંડી આપી દીધી છે. શેડો મિનિસ્ટ્રીમાં દસેક ધારાસભ્યોનો સમાવેશ કરવા નક્કી કરાયું છે. આ ધારાસભ્યોને કોઇ એક ચોક્કસ વિભાગ પર નજર રાખવાની રહેશે, સરકાર તે વિભાગ વિશે કેવી નીતિ - નિર્ણયો લે છે, અધિકારીઓની કામગીરી કેવી છે, કયા પ્રકારના ગોટાળા છે, આ બધીય માહિતી બહાર લાવીને સરકારને અકળાવે તેવા સવાલો વિધાનસભામાં પૂછવાના રહેશે. આરટીઆઇ થકી પણ પ્રશ્નો પૂછવાના રહેશે. આમ, ભાજપ સરકારને ઘેરવા કોંગ્રેસે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.

(3:48 pm IST)