Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ફરીયાદીને એટલો સંતોષ આપો કે, માત્ર તમને જ યાદ કરે, રેન્જ વડા જેવુ કોઈ પદ છે તે વાત જ ભૂલ જાયઃ નરસિમ્હા કોમાર

ભાવનગર-અમરેલી અને બોટાદના જિલ્લા પોલીસ વડાઓને ભાવનગર રેન્જ વડાનો સંદેશઃ ત્રણેય જિલ્લાના પ્રશ્નોનો અભ્યાસ ચાલુઃ કઈ સમસ્યા માટે કઈ દવા કરવી ? કયાં સર્જરીની જરૂર છે ? આ બધુ સારી રીતે સમજી કામગીરીને ગતિમાં લાવવા કવાયતઃ હાર્ડવર્કને સ્માર્ટ વર્કમાં કેવી રીતે ફેરવવું ? તેનુ માર્ગદર્શન અપાશેઃ નિષ્ઠાવાન સ્ટાફની જાહેરમાં કદર

રાજકોટ, તા. ૨૩ :. ભાવનગર શહેર અને જિલ્લો, અમરેલી શહેર અને જિલ્લો તથા બોટાદ શહેર-જિલ્લાનો સમાવેશ કરતા ભાવનગર પોલીસ રેન્જના વડા તરીકે નરસિમ્હા કોમારની નિમણૂક થતા સાથે જ તેઓએ નવી જગ્યાનો ચાર્જ સંભાળતા સાથે જ ત્રણેય જિલ્લાના પ્રશ્નોનો ગહન અભ્યાસ સતત ૩૬ કલાકથી શરૂ કર્યો છે. સૂત્રોના કથન મુજબ નરસિમ્હા કોમારે પોતાની આગવી સ્ટાઈલ મુજબ સંબંધક જિલ્લાના પોલીસ વડાઓને લાંબાલચ સૂચન કરવાને બદલે માત્ર એટલુ જ જણાવ્યુ કે, 'લોકોની ફરીયાદ પરત્વે ખૂબ જ રસ લઈ તેનો નિકાલ એ રીતે કરો કે ફરીયાદીને પુરતો સંતોષ થાય, ફરીયાદીને ભાવનગર સુધી ધક્કો ન થાય અને ફરીયાદીને એટલો સંતોષ મળે કે, રેન્જ વડા જેવુ કોઈ પદ છે તે વાત જ ભૂલી જાય.

આમ થોડુ લખ્યુ છે, જાજુ કરીને વાંચજો તેવા આ સંદેશાનો અર્થ ખૂબ વ્યાપક છે. નરસિમ્હા કોમારના સ્વભાવથી પરિચિત તાબાના જિલ્લા પોલીસ વડાએ પણ તેમની પદ્ધતિ મુજબ હવે કામ કરવાનુ થશે તેવુ સારી રીતે સમજી તેઓએ પણ પોતાના તાબાના સ્ટાફને ફરીયાદીની ફરીયાદો પરત્વે જાગૃત રહેવા અસામાજિક પ્રવૃતિઓ પર અંકુશ મુકવા સહિતના આદેશો ધડાધડ છોડયા છે. ટૂંકમા કહીએ તો ભાવનગર રેન્જ હેઠળના જિલ્લાઓ ખરા અર્થમાં દોડતા થયા છે. જો કે અમરેલીમાં તો નિર્લિપ્ત રાયએ ચાર્જ સંભાળ્યા પછી પોલીસ તંત્રએ પોતાની માયા સંકેલી લીધી હતી. તેમા હવે રેન્જ વડા તરીકે નરસિમ્હા કોમાર મુકાતા જ ત્રણેય જિલ્લામાં કામગીરીમાં ધરમુળથી સુધારા-વધારાનો પ્રારંભ થઈ ચૂકયો છે. સુરત રેન્જમાં નરસિમ્હા કોમાર અને નિર્લિપ્ત રાયે બુટલેગરોની કેડ ભાંગી નાખી હતી.

સીબીઆઈનો બહોળો અનુભવ નરસિમ્હા કોમારનો જીવન મંત્ર પણ જાણવા જેવો છે. 'કામ કરવું અને કામ લેવુ' આનો અર્થ એ નથી કે તાબાના સ્ટાફ પાસે માત્ર ઢસરડા કરાવવા. તેઓએ હાર્ડવર્કને સ્માર્ટ વર્કમાં કઈ રીતે ફેરવવું ? તેનો આખો પ્રોજેકટ પોતાના અનુભવ આધારે તૈયાર કરી પોતાનાના તાબાના ત્રણેય જિલ્લામાં અમલી બનાવનાર છે. સ્ટાફના સાચા પ્રશ્નોનો નિકાલ લાગવગ કે બીજી કોઈ બાબત ધ્યાને લઈને નહિ પણ જે તે સ્ટાફની જરૂરીયાત મુજબ જ અગ્રતા આપવાની તેમની નીતિને કારણે નિષ્ઠાવાન સ્ટાફ તેમનાથી ખૂબ ખુશ રહે છે. સ્ટાફને માત્ર ઠપકા જ આપવાના બદલે તેઓની સારા કામ બદલ પીઠ થાબડવાની નીતિ રહી છે. 'ડાંડ' કર્મચારીઓ તો તેમના સ્વભાવ મુજબ આપોઆપ સુધરી જાય છે.  અકિલા સાથેની વાતચીતમાં તેઓએ જણાવેલ કે, ભાવનગર શહેર-જિલ્લો, અમરેલી શહેર-જિલ્લો અને બોટાદ જિલ્લાના તમામ પ્રશ્નોના ગહન અભ્યાસ બાદ અગાઉથી વિચારી રાખેલ પ્રોજેકટ મુજબ ચોક્કસ રૂપરેખા સાથે ત્રણેય એસપીઓ સાથે તૂર્તમાં જ ચર્ચા કરી ખુટતી કડીઓ જોડી માસ્ટર પ્લાન ઘડી કઢાશે અને જેનો અમલ તે મુજબ જ થતા લોકોની મુશ્કેલી  આપોઆપ  હલ  થશે. (૨-૭)

(12:16 pm IST)