Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

આવતા સપ્તાહે એસપીઓની બદલીઓ, ૭ એએસપીઓને બઢતી અને ૨૧ એડીશ્નલ એસપીઓનો 'ઉદ્ધાર' થઈ જશે

સારા પોસ્ટીંગ આપી ૨૦૧૯ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પ્રભાવ પાડવા જતા, સાઉથ ઈન્ડીયાની લોબીનું બેલેન્સ ગગડયું: ૯૦થી વધુ પોલીસ ઈન્સ્પેકટરોને ડીવાયએસપી બનાવવાનો લટકતો પ્રશ્ન પણ હાથ પર લેવાયો

રાજકોટ, તા. ૨૩ :. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ નજરમાં રાખી લાંબો સમય સુધી લટકાવ્યા બાદ આઈપીએસ અધિકારીઓના બદલીમા પ્રથમ રાઉન્ડમાં ૩૧ સિનીયર અધિકારીઓના બઢતી-બદલીના હુકમો કર્યા બાદ હવે એસપી કક્ષાના આઈપીએસ અધિકારીઓની બદલીનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે. આની સાથોસાથ ૭ જેટલા એએસપીઓ કે જેમને એસપી તરીકે બઢતી આપવામાં ૬ માસથી વધુ સમય થયા વિલંબ થયો છે તેમના પ્રશ્નોનો નિકાલ કરવા સાથે એડીશ્નલ એસપી કક્ષાના ૨૧ અધિકારીઓને રેગ્યુલર પોસ્ટીંગ આપવાનું અઘરૂ કાર્ય પણ એક સપ્તાહમાં પૂર્ણ થઈ જાય તેવા ચિન્હો દ્રષ્ટિગોચર થાય છે. આઈપીએસ અધિકારીઓમાં ખાનગીમાં ચાલતી ચર્ચા મુજબ બઢતી-બદલીઓનું લીસ્ટ મહદઅંશે તૈયાર જ છે. માત્ર છેલ્લી ઘડીના સુધારા-વધારા બાકી છે.

પ્રથમ રાઉન્ડમાં જે સિનીયર અધિકારીઓના ફેરફાર થયા તેમાં ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતની લોબીને ૨૦૧૯ની ચૂંટણી તથા ચોક્કસ અધિકારીઓના માન જાળવવા જે બેલેન્સ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેનાથી ઘણી બધી ગરબડો સર્જાય છે. રાજકોટની વાત કરીએ તો ઉત્તર પ્રદેશને રાજી કરવા માટે મનોજ અગ્રવાલને રાજકોટ મુકાયાની ચર્ચા છે. જો કે આ પોસ્ટીંગમાં રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની ભલામણ અસરકારક રહી હતી.  ટી.એસ. બિસ્તને એડમનમાં મુકવાના મુળમાં આ બાબત જોવાઈ રહી છે.

નવાઈની વાત એ છે કે, એએસપી કક્ષાના ૭ ડાયરેકટ આઈપીએસના પોસ્ટીંગમાં વિલંબ થતા આ તમામે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી અને કેન્દ્રમાંથી પણ ગુજરાતના તંત્રને તાકીદ કરવામાં આવી છતાં કોઈ સ્પીડ કરવામાં ન આવી. ડીવાયએસપી કક્ષાના ૨૧ અધિકારીઓ યેનકેન પ્રકારે દબાણ લાવી બઢતી તો મેળવી પરંતુ માત્ર હોદ્દા જ અપાયા અને કામ તો ડીવાયએસપીનું જ ચાલુ રહ્યું. ગુજરાતમાં એડીશ્નલ એસપીની પ્રથા ન હોવા છતા આ નવુ ગતકડુ ગર્યુ. આમાના ઘણાને જિલ્લામાં પોસ્ટીંગ જોઈએ છે. બીજી તરફ ગૃહખાતુ એવુ કહે છે કે, જિલ્લામાં પ્રથમ ચાન્સ ડાયરેકટ આઈપીએસનો જ લાગે આમ આ પ્રશ્ન પણ ગોટે ચડયો છે. ટૂંકમાં કહીએ તો આવા  અટપટ્ટા પ્રશ્નોના નિકાલ સાથે એકાદ સપ્તાહમાં બઢતી-બદલીના રાઉન્ડ સાથે સિનીયર પીઆઈઓને ડીવાયએસપી બનાવવાની કવાયત પણ તેજ બનશે.(૨-૮)

(12:15 pm IST)