Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ માટે ચેતવણી

નવસારી, વલસાડ, સુરત, ભરુચ માટે ચેતવણી:વડોદરા, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ, જામનગર સહિતના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી

અમદાવાદ, તા.૨૨:ગુજરાતમાં હજુ પણ જોરદારરીતે મોનસુન સક્રિય થયેલું છે. જુદી જુદી સિસ્ટમ સક્રિય થયેલી હોવાથી આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તંત્રની ચેતવણી બાદ જે વિસ્તાર માટે ચેતવણી જારી કરવામાં આવી છે ત્યાં જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. હાલમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઇ ચુક્યો છે જેથી પહેલાથી જ બચાવ ટીમો સક્રિય છે. બીજી બાજુ પુરગ્રસ્ત વિસ્તારો માટે રાહત સામગ્રી પહોંચાડવાના પ્રયાસો પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ રાજય સરકાર દ્વારા તંત્રને હાઇ એલર્ટ પર રખાયું છે અને કોઇપણ પરિસ્થિતને પહોંચી વળવા અને રાહત અને બચાવની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવા નિર્દેશો જારી કરાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શકયતા છે. આ જ પ્રકારે ગીર સોમનાથ, જુનાગઢ અને દીવમાં પૂર પ્રકોપ સર્જે એવો વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગના કહેવા મુજબ ડાંગ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગે  આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, સુરત, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે તો, વલસાડ અને નવસારી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઇ છે.

(9:15 pm IST)