Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

આગામી ૫ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી

ચાલુ સિઝનમાં રાજ્યમાં ઓછો વરસાદ નોંધાયો છે : ડાંગ, તાપી, નવસારી, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે, અમદાવાદીઓએ રાહ જોવી પડશે

અમદાવાદ, તા.૨૩ : આ સીઝનમાં ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે, પરંતુ આગામી દિવસોમાં વરસાદ વધારે ધમાકેદાર બેટિંગ કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની વકી છે. અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં ગુજરાતમાં વરસાદ જમાવટ કરી રહ્યો હોવાની વાત કરી છે. તેમણે એ પણ જણાવ્યું કે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેવાનું છે. આ સાથે હવામાન વિભાગે અમદાવાદના વરસાદ વિશે પણ આગાહી કરી છે.

અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, અગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે, રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે.

આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે, મોટાભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. આજે તથા આવતીકાલે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ રહેવાની સંભાવના છે. આ પછી માત્ર (૨૫મી જૂન) દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે તેવી સંભાવના છે.

ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી છે. જેમાં મોટાભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ રહી શકે છે.

સૌરાષ્ટ્ર માટે આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને દીવનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ બનેલી છે, જેના કારણે ભારે વરસાદ થવાની આગાહી છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને તે ધીમે-ધીમે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત જેવો રાજ્યભરમાં વરસાદ થશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, મહત્વનું છે કે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ઓછો વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને ગરમી તથા ઉકળાટથી કંટાળેલા લોકો જલદી વરસાદ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, હવામાન વિભાગની વેબસાઈટ પર કરાયેલા આગાહીના રિપોર્ટ્સ મુજબ જોઈએ તો હજુ અમદાવાદીઓએ વરસાદ માટે રાહ જોવી પડશે. આગામી ૨૫થી ૨૭ તારીખ દરમિયાન અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, ગઈકાલે રાત્રે શહેરના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટું થયું હતું.

અમદાવાદની સાથે ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહિસાગર જેવા વિસ્તારોમાં પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના આ ભાગોમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાંધીનગર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે મોડી રાત્રે વરસાદી ઝાપટું નોંધાયું હતું.

(7:57 pm IST)