Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વડોદરાના કમલાનગરમાં તળાવ નજીક બે હજારની 5 લાખની નોટો મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં આજવારોડ ખાતે કમલાનગર તળાવમાં બે હજારની રૃા.૫ લાખથી વધારે કિમતની ચલણી નોટો વડાપ્રધાનની મુલાકાતના એક દિવસ પહેલાં બિનવારસી મળતાં પોલીસે તેને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે શનિવારે વડાપ્રધાનની મુલાકાતના આગલા દિવસે સફાઇ કર્મચારીઓ દ્વારા કમલાનગર તળાવ પાસે સફાઇ કામગીરી ચાલતી હતી ત્યારે એક કોથળીમાં બે હજારની ચલણી નોટોનો જથ્થો સફાઇ કર્મચારીને મળ્યો હતો. આ અંગે સફાઇ કર્મચારીએ રેલવે પોલીસ કર્મચારીને જાણ કરતા રેલવે પોલીસ કર્મચારીએ શહેર પોલીસ કંટ્રોલરૃમને માહિતી આપી હતી. બાદમાં બાપોદ પોલીસને સંદેશો આપતા સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી.

પોલીસે બે હજારની ચલણી નોટો કબજે કરી તેની તપાસ કરાવતા તે સાચી હોવાનું જણાયું હતું. તેમજ રૃા.૫.૩૦ લાખ કિમતની ચલણી નોટો હોવાનું બહાર આવ્યું હતું. કમલાનગર તળાવ પાસે બે હજારની ચલણી નોટો કોણ બિનવારસી નાંખી ગયું તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. ઇન્કમટેક્સની રેડ પડે અને ચલણી નોટો ના પકડાઇ જાય તેવા ડરથી આ નોટોનો બારોબાર નિકાલ કર્યો હોવાનું પોલીસ માની રહી છે.

(7:10 pm IST)