Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વડોદરામાં અજીબોગરીબ ઘટનાઃ જે લાશને પોતાનો પુત્ર સમજીને અગ્નિદાહ આપ્‍યો તે જ પુત્ર કલાકો પછી ઘર પરત ફરતા પીરવાર ચોંકી ગયો

પોલીસે ઓળખ કરવા 45 વર્ષીય યુવાનની લાશનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરતા પોતાનો પુત્ર સમજી પિતાએ અગ્નિસંસ્‍કાર કરી નાખ્‍યા

વડોદરાઃ વડોદરાના દુમાડ ચોકડી પાસે પોલીસને 45 વર્ષીય પુરૂષની લાશ મળતા તેની ઓળખ મેળવવા લાશનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતા વાઘોડીયા સોમેશ્વરપુરા ગામમાં રહેતા શનાભાઇ પોતાનો પુત્ર સંજય સમજી પોલીસ સ્‍ટેશનેથી લાશનો કબ્‍જો લઇ પીરવાર સાથે ભારે હૃદયે અંતિમ સંસ્‍કાર કરી નાખ્‍યા, બાદમાં થોડી કલાકો બાદ પોતાનો પુત્ર સંજય પરત ફરતા પરિવાર ચોંકી ગયો હતો. જે લાશની ઓળખ કરી તે લાશ સંજય સાથે સામ્‍યતા ધરાવતી હોવાથી આ ઘટના બનવા પામી હતી.

અત્યાર સુધી તમે હિન્દી સીરિયલો, ફિલ્મો અને ડ્રામામાં જોયુ હશે કે મૃત થયેલી વ્યક્તિ જીવતી પાછી આવતી હોય, પણ અહીં તો હકીકતમાં આવુ બન્યુ છે. જેના થોડી કલાક પહેલા જ અંતિમ સંસ્કાર કર્યા હતા, તેણે અચાનક ઘરમાં એન્ટ્રી મારતા સોપો પડી ગયો હતો. એક તરફ લોકો જેના મોતનુ માતમ મનાવતા હતા, જે વ્યક્તિ અગ્નિદાહના ગણતરીના કલાકોમાં પાછી આવી જતા ડૂસકા ભરતો પરિવાર ચોંકી ગયો હતો. હસવુ કે રડવુ તે પણ સમજી શક્યો ન હતો. પણ આખરે આ કેવી રીતે બન્યુ તે જોઈએ.

બન્યુ એમ હતું કે, વડોદરાના દુમાડ ચોકડી પાસે હાઈવે પર પોલીસને એક 45 વર્ષીય પુરુષની લાશ મળી હતી. જેના બાદ પોલીસ દ્વારા તેની ઓળખ કરવા માટે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. આ તસવીર વાઘોડિયા સોમેશ્વપુરા ગામમા રહેતા શનાભાઈએ જોઈ હતી, તેમણે પોલીસને જણાવ્યુ કે લાશ તેમના દીકરા સંજયની છે. સંજય મૃત પામ્યો છે તે જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. પરિવારે ભારે હૃદયે સંજયના અંતિમ સંસ્કાર કર્યા હતા. સ્મશાન ગૃહમાં મુખાગ્નિ આપીને પરિવાર ઘરે આવ્યો હતો. બપોરે અંતિમ સંસ્કાર કર્યા, અને સાંજે એ જ દીકરો સંજય જીવતેજીવ પાછો આવ્યો હતો.

સંજયને પોતાના બે પગ પર ઉભો જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. ઘડીક તો સૂઝબૂઝ ગુમાવી ચૂકી હતી. પહેલા તો કંઈ સમજાયુ નહિ. પરંતુ બાદમાં જ્યારે સમજ પડી તો વિચાર આવ્યો કે આવુ થઈ જ કેવી રીતે શકે. જેના અંતિમ સંસ્કાર કર્યા તે દીકરો કેવી રીતે જીવતો પાછો આવી શકે. પરંતુ સંજય જીવતો છે તે સમજાઈ જતા જ પરિવારમા હરખ સમાયો ન હતો.

હવે આ કેવી રીતે થયું તે જોઈએ...

આ કેવી રીતે બન્યુ તેના પર નજર કરીએ તો, જેની લાશ સમજીને પિતાએ ઓળખ કરી હતી તે મૃતદેહ અને સંજય વચ્ચે ઘણી સામ્યતા હતી. દેખાવ, શરીરનો બાંધો, ઉંમર લગભગ સરખા જ હતા. જેથી પરિવાર પણ દીકરાને ઓળખવામાં થાપ ખાઈ ગયો. આમ, પરિવારને પોતાની ભૂલ સમજાતા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓને આ વિશેની જાણ કરી હતી.

તો બીજી તરફ પોલીસે આ મામલે ખુલાસો આપતા કહ્યુ કે, સંજયના પિતાએ લાશ તેની જ હોવાનુ કહ્યુ હતું. જો પિતા જ હા કહેતા હોય તો અમને લાશ સોંપવી પડે. પિતાએ લાશ વિશે આવીને ખુલાસો કરતા હવે અમે ફરીથી અજાણી લાશ વિશે જાહેરાત કરી છે. તેની ઓળખ માટે ફરીથી કાર્યવાહી કરીશું.

(5:04 pm IST)