Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ગુજરાતમાં અભૂતપૂર્વ ઘટનાઃ ચોમાસાના પ્રારંભે આકાશી વીજળીએ ૧૮નો ભોગ લીધો

વરસાદી વાતાવરણથી કુલ ર૬ માનવ મૃત્‍યુઃ ૬૦ પશુઓ મરણને શરણ : વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવા, ઉંચા વૃક્ષો નીચે આશરો લેવાનું ટાળવા, પુલ-તળાવોથી દુર રહેવા જેવા પૂર્વ સાવચેતીના પગલા સૂચવતા રાહત નિયામક સી.સી. પટેલ

રાજકોટ,તા. ર૩ :  રાજયમાં હજુ ચોમાસાનો પ્રારંભ થયો છે. ૧૦ જુન આસપાસથી જુદા જુદા વિસ્‍તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ વખતે ચોમાસાના પ્રારંભથી આકાશી વીજળી પડવાથી જાનહાનીના બનાવો વધ્‍યા છે. જુનના પ્રારંભથી અત્‍યાર સુધીમાં વરસાદના કારણસર રાજયમાં ર૬ લોકોના મૃત્‍યુ થયા છે. જેમાંથી ૧૮ મૃત્‍યુ વીજળી પડવાના કારણે થયા છે. આકાશી વીજળીના કારણે ચોમાસાના પહેલા જ મહિનામૌં સર્જાયેલો આ મૃત્‍યુ આંક અભૂતપૂર્વ છે. ૬૦ જેટલા નાના-મોટા પશુઓએ વીજળીના કારણે જીવ ગુમાવ્‍યા છે. વીજળી પડવાના બનાવો  વધવાનું કોઇ ચોક્કસ કારણ સામે આવેલ નથી.

ગુજરાતનાં રાહત નિયામક સી.સી. પટેલએ આકાશી વીજળી પડવાના કારણે થતી જાનહાની અટકાવવા પૂર્વ સાવચેતીના ઉપાયો સાથે અપીલ કરી છે. જેમાં વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવુ, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો, વીજળી વાહક વસ્‍તુઓથી દૂર રહેવું, ઉંચા વૃક્ષો નીચે આશરો લેવાનું ટાળવું, પશુઓને ઉંચા વૃક્ષ નીચે ન બાંધવા, ટોળામાં રહેવાને બદલે છુટાછવાયા રહેવુ, મુસાફરી મજબૂત છતવાળા વાહનમાં જ કરવી, ધાતુની વસ્‍તુઓ જેવી કે વિદ્યુત કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહેવું વગેરેનો સમાવેશ થાય છે.

ઉપરાંત ઉપયોગમાં ન હોય તેવા પ્‍લગ પ્‍લાસ્‍ટીક કવરથી ઢાકી દેવા, વિદ્યુત ઉપકરણો પાણીની લાઇનથી તથા ભેજથી દૂર રાખવા,  શોર્ટ સક્રિટથી વીજ પ્રવાહ આપોઆપ બંધ થઇ જાય તેવી સ્‍વીચ વાપરવી, ભયાનક આકાશી વીજળી થતી હોય ત્‍યારે વીજળીની અવાહક વસ્‍તુ ઉપર જ ઉભા રહેવું તેવી સાવચેતી રાખવા સી.સી. પટેલએ અપીલ કરી છે.

(3:51 pm IST)