Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ધારાસભાની ગઇ ચૂંટણીમાં ૧૯ ઉમેદવારો ૫૦ હજારથી વધુ મતે વિજેતા બનેલા

આજ ચૂનાવ, કલ ચૂનાવ, યહાં ચૂનાવ, વહાં ચૂનાવ, ચૂનાવો કી ‘રેલમપેલ' હૈ, મુદ્દો કી ઠેલમઠેલ હૈ.... : વર્તમાન મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની સરસાઇ સૌથી વધુ ૧,૧૭,૭૫૦ મતની : તત્‍કાલીન મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી સૌરાષ્‍ટ્રમાં સૌથી વધુ ૫૩૭૫૫ મતે જીતેલા : અમરાઇવાડીમાં હસમુખ પટેલ, અસારવામાં પ્રદીપ પરમાર, દસકોઇમાં બાબુભાઇ પટેલ, રાજકોટ દક્ષિણમાં ગોવિંદભાઇ પટેલ, કલોલમાં સુમનબેન ચૌહાણ, દેવગઢ બારિયામાં બચુભાઇ ખાબડ, ઝગડિયામાં છોટુભાઇ વસાવા, અંકલેશ્વરમાં ઇશ્વરસિંહ પટેલ અને નવસારીમાં પીયુષ દેસાઇ ૪પ થી પ૦ હજાર વચ્‍ચેની સરસાઇથી વિજેતા થયા હતા

રાજકોટ તા. ૨૨ : રાજ્‍યમાં ૧૯૬૨થી ૨૦૧૭ સુધીમાં આવેલી વિધાનસભાની તમામ સામાન્‍ય ચૂંટણીઓમાં કંઇકને કંઇક અસામાન્‍ય બાબતો સામે આવી છે. છેલ્લી ૨૦૧૭ની ચૂંટણી ખૂબ રસાકસીભરી હતી. જેમાં ભાજપ સાત બેઠકોની બહુમતીથી સત્તા જાળવવામાં સફળ થયેલ. કોંગ્રેસને ૧૬ બેઠકોના વધારા સાથે ૭૭ બેઠકો મળેલ પણ સત્તાથી છેટુ રહી ગયું હતું. ૩૧ ઉમેદવારો ૫૦૦૦ કરતા ઓછા મત જીતીને ધારાસભ્‍ય બની શકેલા. બીજી તરફ ૧૮૨ પૈકી ૧૯ ઉમેદવારો અડધા લાખથી વધુ મતથી વિજેતા થયા હતા. જેમાં અમદાવાદના ઘાટલોડિયામાંથી ચૂંટાયેલા વર્તમાન મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ૧૧૭૭૫૦ મતની સરસાઇથી સમગ્ર રાજ્‍યમાં પ્રથમ ક્રમે હતા. બીજા ક્રમે ૧૧૦૮૧૯ મત સાથે સુરત ચોર્યાસીના ભાજપના ઉમેદવાર ઝંખના પટેલ વિજેતા થયા હતા.

એક લાખ કરતા વધુ મતે ભાજપના બે ઉમેદવારો જીતેલા જ્‍યારે ૫૦ હજારથી ૧ લાખ વચ્‍ચેની સરસાઇમાં ૧૭ ઉમેદવારો હતા. જેમાં માંડવી સુરતના આનંદ ચૌધરી એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમની સરસાઇ ૫૦૭૭૬ મતની હતી. બાકીના તમામ જંગી સરસાઇવાળા ઉમેદવારો ભાજપના હતા. સૌરાષ્‍ટ્રમાંથી એકમાત્ર તત્‍કાલીન મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી સરસાઇમાં અડધા લાખને પાર કરી શકેલ. તેઓ રાજકોટ પヘમિથી ૫૩૭૫૫ મતે વિજેતા થયા હતા.

અડધા લાખથી ઉપરની સરસાઇવાળા ભાજપના અન્‍ય ધારાસભ્‍યોમાં પ્રદિપસિંહ જાડેજા, રાકેશ શાહ, કૌશિક પટેલ, બલરામ થાવાણી, સુરેશ પટેલ, અરવિંદ પટેલ, મનીષા વકીલ, જીતેન્‍દ્ર સુખડિયા, સીમા મોહિલે, યોગેશ પટેલ, આનંદ ચૌધરી, હર્ષ સંઘવી, વિનુ મોરડિયા, પૂર્ણેશ મોદી, નરેશ પટેલ અને વર્તમાન નાણામંત્રી કનુભાઇ દેસાઇનો સમાવેશ થાય છે. ઉપરાંત ૪૫થી ૫૦ હજારની સરસાઇથી જીતેલા ઉમેદવારોમાં હસમુખ પટેલ, પ્રદિપ પરમાર, બાબુભાઇ જમનાદાસ પટેલ, ગોવિંદભાઇ પટેલ, સુમનબેન ચૌહાણ, બચુભાઇ ખાબડ, છોટુભાઇ વસાવા, ઇશ્વરસિંહ પટેલ, પીયુષ દેસાઇ વગેરેનો સમાવેશ થાય છે. સરસાઇમાં ઉમેદવારની વ્‍યકિતગત પ્રતિભા, અન્‍ય ઉમેદવારોની તાકાત, જ્ઞાતિ સહિતનું પીઠબળ, મતદાનનું પ્રમાણ વગેરે બાબતો નિર્ણાયક બનતી હોય છે.

(10:48 am IST)