Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સ્વિમર માના પટેલ ટોક્યો ઓલિમ્પિકસમાં ભાગ લેશે

ગુજરાત માટે ગૌરવ સમાન સમાચાર : ફિનાના નિયમ મુજબ ફેડરેશને માના પટેલ-શ્રીહરિના નામ યુનિવર્સાલિટી ક્વોટા માટે મોકલ્યા જેમાં પસંદગી થઈ

અમદાવાદ, તા. ૨૩ : જાપાનના ટોક્યોમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે અમદાવાદની માના પટેલને નોમિનેટ કરવામાં આવી છે. મહિલાઓના સેક્શન માટે માના પટેલ જ્યારે પુરુષોના સેક્શન માટે શ્રીહરિ નટરાજનની પસંદગી કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના નિયમ અનુસાર કોઈ દેશનો સર્વોચ્ચ રેક્ન ધરાવતો સ્વિમર નિયમિત ક્વોટાથી ક્વોલીફાઈ ના થઈ શકે તો યુનિવર્સિલાટી ક્વોટામાં તેના નામની ભલામણ કરી શકાય છે. યુનિવર્સાલિટી ક્વોટાના નિયમ અનુસાર જે તે કેટેગરીમાં તે દેશનો કોઈ સ્વિમર ક્વોલીફાઈ ન થયો હોય તો તેના ઓલિમ્પિક સિલેક્શન સમય(બી ટાઈમ)ને ધ્યાનમાં રાખીને ફિના દ્વારા નોમિનેટ કરવામાં આવે છે.

માના પટેલનો જન્મ ૧૮ માર્ચ ૨૦૦૦ના રોજ થયો હતો. તે અત્યારે ૭૩૫ પોઈન્ટ ધરાવે છે. ઓલિમ્પિક્સમાં તે ૧૦૦ મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટમાં ભાગ લેશે. માના અને શ્રીહરિ નટરાજ તેમની કેટેગરીમાં ભારતના સર્વોચ્ચ ક્રમાંક ધરાવતા સ્વિમર છે. શ્રીહરિ ૮૬૩ અને માના પટેલ ૭૩૫ પોઈન્ટ ધરાવે છે. સિલેક્શનની વાત કરવામાં આવે તો માના પટેલ ઓલિમ્પિક્સમાં ભાગ લેશે તે નિશ્ચિત છે કારણકે અન્ય કોઈ પણ મહિલા સ્વિમર સિલેક્શન ટાઈમમાં લક્ષ્યાંક મેળવી શકી નથી જ્યારે શ્રીહરિએ આ માટે હજુ રાહ જોવી પડશે.

શ્રીહરિ સહિત છ ભારતીય સ્વિમરે બી ટાઈમ પ્રાપ્ત કર્યો છે અને આ અઠવાડિયામાં તેઓ એ ટાઈમ મેળવવા માટે પ્રયાસ કરશે. ક્વોલિફિકેશન માટેની અંતિમ તારીખ ૨૭મી જૂન છે. માટે શ્રીહરિ ટોક્યો જશે કે નહીં તે જાણવા માટે ૨૭મી જૂન સુધી રાહ જોવી પડશે. નોંધનીય છે કે શ્રીહરિ નટરાજન અને સાજન પ્રકાશે ૨૦૧૬ની રિયો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. સપ્તાહના અંતે રોમ ખાતે યોજાનારી ક્વોલિફાઈંગ ઈવેન્ટમાં બન્ને ખેલાડી ભાગ લેશે અને તેમના પ્રદર્શનના આધારે ટોક્યો માટેની ટિકિટ મળશે.

સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના મહામંત્રી મોનલ ચોક્સીએ જણાવ્યું હતું કે ફિનાના નિયમ મુજબ ફેડરેશને માના પટેલ અને શ્રીહરિના નામ યુનિવર્સાલિટી ક્વોટા માટે મોકલી આપ્યા હતા. આ બન્નેએ ફિના દ્વારા માન્યતા પ્રાપ્ત ઓલિમ્પિક ક્વોલિફિકેશન ઈવેન્ટમાં કરેલા પ્રદર્શનને આધારે પોઈન્ટ મેળવ્યા હતા.

(8:27 pm IST)