Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

“હર હાથ કો કામ, હર ખેતમેં પાની”ના ધ્યેયમંત્ર સાથે અમદાવાદ જિલ્લામાં ‘મનરેગા’ હેઠળ ૬ કરોડ ૬૦ લાખથી વધુ રકમના કામ હાથ ધરાયા

મનરેગા હેઠળ સિંચાઈ માટેના કૂવા, સામૂહિક વૃક્ષારોપણ, ખેત તલાવડી, ખેતરના બંધપાળા અને કૂવા રિચાર્જની કામગીરી કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના(મનરેગા) હેઠળ ૬ કરોડ ૬૦ લાખથી વધુ રકમના કામ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક ધોરણે જે તે દિવસે ૯,૫૦૪ જોબકાર્ડધારકોને રોજગારી પૂરી પાડી છે.
ઉલ્લેખનીય છે કે, મનરેગા હેઠળ જોબકાર્ડધારક શ્રમિકને કામગીરીના પ્રમાણમાં પ્રતિ દિન રુપિયા ૨૨૯ લેખ મહત્તમ મર્યાદામાં દૈનિક વેતન ચૂકવવામાં આવે છે.
અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પંકજ ઔંધીયાએ જણાવ્યું હતું કે, “ગામડાઓના આધારસ્તંભ સમાન કૃષિક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી મનરેગામાં જળસંચયના કામ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં સિંચાઈ માટેના કૂવા, સામૂહિક વૃક્ષારોપણ, ખેત તલાવડી, ખેતરના બંધપાળા અને કૂવારિચાર્જની કામગીરી કરવામાં આવી છે.” તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારના કામોથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેત-ઉત્પાદકતામાં વૃદ્ધિ થશે અને જેની પ્રત્યક્ષ  હકારાત્મક  અસર ગ્રામ્ય જીવન પર વર્તાશે.
જો મનરેગા યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના તાલુકાદીઠ કામગીરીનું  વર્ગીકરણ કરીએ તો મનરેગા હેઠળ સૌથી વધુ રોજગારી ધોલેરા તાલુકામાં( ૩૬૮.૭૩ લાખ) પુરી પાડવામાં આવી છે. જ્યારે બીજા ક્રમે સાણંદ તાલુકો (૮૪.૧૬ લાખ) રહ્યો છે. અન્ય તાલુકાની વાત કરીએ તો બાવળા તાલુકામાં ૪૧. ૪ લાખ, દસક્રોઈ તાલુકામાં ૨૦.૭૨ લાખ, દેત્રોજ તાલુકામાં ૧૨.૦૩ લાખ, ધંધુકા તાલુકામાં ૪૦.૨૩ લાખ, ધોળકા તાલુકામાં ૩૨.૦૩ લાખ, માંડલ તાલુકામાં ૪૬.૨૬ લાખ જ્યારે વિરમગામ તાલુકામાં ૧૫.૦૩ લાખ રૂપિયાની રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે.  
મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે કોરોના મહામારીના પગલે જિલ્લા વહીવટીતંત્રએ  કોવીડ ગાઈડલાઈનનો પણ ચુસ્તપણે અમલ કરાવી આ રોજગાર-સર્જન કર્યું છે.
આ ઉપરાંત વધુમાં વધુ શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે દરેક ગામના સરપંચ, તલાટીમંત્રીને તેમના ગામમાં મનરેગાની ગાઈડલાઈન મુજબ કરી શકાય તેવા કામોની યાદી તાલુકા પંચાયત કચેરીમાં પહોંચાડવા માટેનો અનુરોધ પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ કર્યો છે.
જો કોઈ શ્રમિક પાસે જોબકાર્ડ ન હોય તો નવું જોબકાર્ડ મેળવવા માટે ગામના તલાટીમંત્રી- ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક સાધવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાકીદ કરવામાં આવી છે.અત્રે નોંધપાત્ર બાબાત એ છે કે આ યોજના માંગ આધારીત છે.જરૂરિયાત મુજબના કામ આધારીત જોબકાર્ડ ધારકોને કામગીરીની ફાળવણી કરવામાં આવે છે.        
આમ, મહાત્મા ગાંધીની ગ્રામસ્વરાજની સંકલ્પનાને સાકાર કરતી મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય સ્તરે જ થઈ રહેલું રોજગાર-સર્જન શહેરી વિસ્તારમાં થતા શ્રમિકોના સ્થળાંતરને અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
(માહિતી સૌજન્ય - લાલજી ચાવડા)

(6:56 pm IST)