Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વડોદરાના ઈલોરાપાર્ક વિસ્તારમાં બે અઠવાડિયાથી કપિરાજનો આતંક:લોકો પર હુમલો કરતા ભયનો માહોલ

વડોદરા:શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં છેલ્લા બે સપ્તાહથી એક વાંદરાના ત્રાસથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. ઇલોરાપાર્ક વિસ્તારમાં અનેક લોકો પર વાંદરાએ હુમલો કરી ઇજા પહોંચાડી હોવાના બનાવો બન્યા છે. વાંદરાને વહેલીતકે ઝડપી પાડવાની માંગણી પણ લોકો કરી રહ્યા છે.

ઇલોરાપાર્ક વિસ્તારની આમ્રકુંજ સોસાયટીમાં  રહેતા ૮૫ વર્ષના અરવિંદભાઇ શાહે જણાવ્યું હતું કે વાંદરાના ત્રાસના કારણે અમોને ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે. હું ઘરની બહાર ઓસરીમાં બેઠો  હતો ત્યારે મારા પર વાંદરાએ હુમલો કરી મને પગમાં ઇજા પહોંચાડી છે અને તેની સારવાર કરવી પડી છે હજી મારે ઇન્જેક્શનો લેવાના બાકી છે. સોસાયટીમાં રહેતી ૮૫ વર્ષની વૃધ્ધા ચંચળબેન ઘરના આંગણે બેસીને મગ સાફ કરતા હતા ત્યારે અચાનક પાછળથી વાંદરાએ આવીને ડાબા પગે કરડીને માંસનો લોચો કાઢી નાંખ્યો હતો.

ઇલોરાપાર્ક વિસ્તારમાં સફાઇસેવક તરીકે કામ કરતો ૨૫ વર્ષનો જયંતિ સવારે સફાઇ કરતો હતો ત્યારે ધીમેથી આવેલા  વાંદરાએ પગમાં બચકું ભર્યું હતું. ઉપરાંત વિસ્તારોના બંગલામાં કામ કરતી કામવાળી મહિલા મીનાને પાછળથી આવીને વાંદરાએ પગમાં બચકું ભરી લીધું હતું.

(5:23 pm IST)