Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સુરતના રાણીતળાવ નજીક દુકાન ધરાવતા તેલના વેપારીને ફોન કરી 30 ડબ્બા મંગાવી ગઠિયો પેમેન્ટ કર્યા વગર રફુચક્કર

સુરત: શહેરના રાણીતળાવ પારસીવાડમાં દુકાન ધરાવતા તેલના વેપારીને ફોન કરી કપાસીયા તેલના રૂ.72,600 ની મત્તાના 30 ડબ્બા ઉધના વિસ્તારમાં મંગાવી ડબ્બા બંધ દુકાનના ઓટલા પર ઉતરાવી ગઠીયો પૈસા અપાવવાના બહાને મોપેડ લઈ ફરાર થઈ ગયો હતો. ડબ્બાની ડિલિવરી આપવા ગયેલો રીક્ષાવાળો જ્યાં ડબ્બા ઉતાર્યા હતા ત્યાં પહોંચ્યો તો ત્યાંથી ડબ્બા પણ ગાયબ હોય વેપારીને જાણ કરતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના શાહપોર દારે ઇલાહી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.402 માં રહેતા 32 વર્ષીય અમીનભાઈ ઈદ્રીસભાઈ અશરફી રાણીતળાવ પારસીવાડ કોહીનોર એપાર્ટમેન્ટ નીચે દુકાન નં.1 માં અમીન ટ્રેડર્સના નામે તેલનો વેપાર કરે છે. અમીનભાઈ ગત 18 મી ના રોજ સાંજે દુકાને હાજર હતા ત્યારે તેમના મોબાઈલ ફોન ઉપર અજાણ્યાએ ફોન કરી રામદેવ ટ્રેડર્સમાંથી બોલુ છું કહી કપાસીયા તેલના 15 કિલોના 30 ડબ્બા જોઈએ છે, તેલના ડબ્બા કાલે મોકલી આપજો અને માલની ડિલીવરી કરવા આવનારને ઉધના સાઉથ ઝોન પાસે આવી ફોન કરવા કહેજો, ડિલિવરી ક્યાં ઉતારવાની છે તે હુ રુબરુ આવી કહીશ અને પૈસા રોકડા આપી દઈશ તેવી વાત કરી હતી. બીજા દિવસે તે વ્યકિતએ ફરી અમીનભાઈને ફોન કરી તેલના ડબ્બા મોકલવા કહેતા અમીનભાઈએ તેમના રોજીંદા રીક્ષાચાલક મહંમદ રિયાઝ અબ્દુલ સુજનીવાલાને રૂ.72,600 ની કિંમતના 30 ડબ્બા લઈ મોકલ્યા હતા.

(5:19 pm IST)