Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કેજરીવાલ પછી મનિષ સિસોદીયા ગુજરાતના પ્રવાસે

‘આપ'એ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધીઃ કાલે સુરતમાં કાર્યક્રમ

નવી દિલ્‍હી, તા.૨૩: આવતીકાલે DyCM મનિષ સિસોદીયા ગુજરાત આવી રહ્યા છે. મનિષ સિસોદીયા સુરતમાં સામાજિક કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરશે. ત્‍યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ અનેક મોટા લોકો AAPમાં જોડાય તેવી પણ ચર્ચા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અત્‍યારથી જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેમા ખાસ કરીને આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દ્વારા તો અત્‍યારથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે ઈસુદાન તેમજ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં વિજય સુવાળાને પણ આમ આદમી પાર્ટીમાં શામેલ કરવામાં આવ્‍યા છે.

તાજેતરમાંજ પત્રકાર ઈસુદાન ગઢવી આમઆદમી પાર્ટીમાં જોડાયા છે. જેથી તેમના જોડાયા બાદ આમ આદમી પાર્ટીમાં વધારે લોકો જોડાઈ રહ્યા છે. વિજય સુવાળા સિવાય વસો તાલુકાના લવાલ ગામના સરપંત મહિતપસિંહ ચૌહાણ પણ આપમાં જોડાયા છે. આ બધીજ વાતોને ધ્‍યાનમાં રાખીને કહી શકાય કે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે.

પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્‍યું કે તેઓ પાર્ટીમાં નવયુવાનોને જોડી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે પાર્ટીમાં વધારેમાં વધારે લોકો જોડાય તેવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ પાર્ટીમાં જોડાયેલા વિજય સુવાળાએ એવું કહ્યું કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા જમીન તેમજ લોકો સાથે જોડાયેલા છે.

આ ઉપરાંત વિજય સુવાળાએ એવું પણ કહ્યું કે સમાજમાં દરેક વર્ગને સાથે રાખીને ચાલનાર આમઆદમી પાર્ટી સાથે આજે હું જોડાઉ છું. ઉલ્લેખનીય છે કે હાલ આમ આદમી પાર્ટી ચૂટણીની જોરશોરથી તૈયારી કરી રહી છે અને મોટી સંખ્‍યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

 

(3:51 pm IST)